સોનિયા ગાંધીએ લેખ લખીને વડાપ્રધાન પર કર્યા આકરા પ્રહાર
- વડાપ્રધાન જનાદેશ સમજતા નથી : સોનિયા ગાંધીનો પ્રહાર
- ચુંટણી પરિણામ મોદીની નૈતિક અને રાજકીય હાર છે : નીટ કૌભાંડ અંગે મૌન રહ્યા
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
18મી લોકસભાની રચના થઈ ચૂકી છે. લોકસભાની ચૂંટણીમાં સત્તાધારી પક્ષ પહેલા કરતા નબળો રહ્યો છે, જ્યારે વિપક્ષ પહેલા કરતા વધુ મજબૂત છે. હવે તેની અસર લોકસભા સત્ર દરમિયાન પણ જોવા મળી રહી છે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિપક્ષ પર પ્રહારો કરી રહ્યા છે. પરંતુ વિપક્ષ પણ નીટ પેપર લીક પર સરકાર પર સતત પ્રહારો કરી રહ્યું છે. મોદીના ઈમરજન્સીના ઉલ્લેખ બાદ દેશમાં ફરી એકવાર રાજકીય ગરમાવો આવી ગયો છે. સંસદમાં પણ આ મુદ્દો ખૂબ જ ગરમ છે. દરમિયાન હવે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ એક લેખ લખીને મોદી સરકાર પર ગંભીર પ્રહાર કર્યા છે.
સોનિયા ગાંધીએ ધ હિંદુમાં પોતાના લેખમાં કહ્યું છે કે ‘2024ની ચૂંટણીમાં વડાપ્રધાન મોદીને વ્યક્તિગત, રાજકીય અને નૈતિક હારનો સામનો કરવો પડ્યો હતો. પોતાને દૈવી શક્તિ જાહેર કરનારા મોદી માટે આ ચૂંટણી પરિણામ તેમની નફરતની રાજનીતિનો અસ્વીકાર હતો. મોદી સર્વસંમતિની વાત કરે છે પરંતુ ટકરાવનો માર્ગ અપનાવે છે. મોદી જનાદેશને સમજતા નથી.
કટોકટીનો જવાબ આપ્યો
સોનિયા ગાંધીએ લેખમાં આગળ લખ્યું કે, જ્યારે સરકારે અમારી પાસે સ્પીકર ચૂંટણીમાં સમર્થન માંગ્યું તો અમે કહ્યું કે પરંપરા મુજબ ડેપ્યુટી સ્પીકર પદ વિપક્ષ પાસે જવું જોઈએ, પરંતુ સરકારે અમારી માંગ સ્વીકારી નહીં. તેના બદલે વડાપ્રધાને ઈમરજન્સીનો ઉલ્લેખ કર્યો અને આશ્ચર્યજનક રીતે સ્પીકરે પણ ધ્યાન હટાવવા માટે આવું જ કર્યું. માર્ચ 1977માં દેશની જનતાએ ઇમરજન્સી લાગુ કરવા પર પોતાનો ચુકાદો આપ્યો હતો, જેને સ્વીકારવામાં આવ્યો હતો.
નીટ અંગે પ્રહાર
સોનિયા ગાંધીએ વધુમાં નીટ અંગે એમ લખ્યું છે કે આ કૌભાંડ દ્વારા દેશના લાખો યુવાઓના ભવિષ્યનો વિનાશ કરવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રીની પ્રાથમિક પ્રતિક્રિયા એવી હતી કે જે કઈ થયું છે તેને નકારી દેવામાં આવે. વડાપ્રધાન પરીક્ષા પર ચર્ચા કરે છે અને દેશમાં હજારો પરિવારોને તબાહ કરાયા ત્યારે મૌન છે.