તો લાશો ગણવા તૈયાર રહેજો…. યુપીમાં ટેન્શન સર્જવા કોણે ધમકી આપી ? વાંચો
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
યુપીના ગાઝિયાબાદ ખાતે આવેલી એક મસ્જિદને એવી ધમકી આપવામાં આવી હતી કે જો હવે મસ્જિદમાંથી લાઉડ સ્પીકરનો અવાજ આવશે તો લાશો ગણવા તૈયાર રહેજો. આ પ્રકારનો પત્ર મસ્જિદની અંદરથી મળી આવતા ભારે હડકંપ મચી ગયો હતો અને પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી.
ધમકી મળ્યા બાદ મસ્જિદની આસપાસ સખત જાપ્તો ગોઠવી દેવાયો હતો. અહીં મોદીનગરમાં આવેલી સુનહરી મસ્જિદમાં વહેલી સવારની નમાઝ પઢવા લોકો ગયા હતા ત્યારે આ પત્ર મળી આવ્યો હતો અને તરત જ પોલીસને જાણ કરી દેવાઈ હતી.
આ બાબતની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો. ચારેકોર ચેકિંગ કરાયું હતું અને મસ્જિદ ફરતે બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આસપાસના સીસીટીવી કેમેરાની ચકાસણી પણ કરવામાં આવી હતી. પોલીસને એવી મહિતી અપાઈ હતી કે પત્ર લખનારે પોતાને સનાતની તરીકે સંબોધીને આ ધમકી આપી છે. પોલીસે આરોપીની તલાશ શરૂ કરી દીધી હતી.
પોલીસે કહ્યું હતું કે કોઈએ ખોટું ટેન્શન ઊભું કરવા અથવા ટીખળ કરવાના હેતુથી આ પ્રકારે પત્ર લખીને ધમકી આપી છે. કોઈએ આ પત્ર અંગે દાવો કર્યો નથી. આરોપી જલ્દી પકડાઈ જશે.