રાહુલ ગાંધીની સજા સામે સ્ટે ન આપનાર ન્યાયાધીશની બદલી કરવાની ભલામણ
સુપ્રીમ કોર્ટ કોલેજીયમે બદલી નો ઘાણવો કાઢ્યો
મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને ફટકારવામાં આવેલી બે વર્ષની કેદની સજાના ચુકાદા સામે સ્ટે ન આપનાર ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એચ.એમ પ્રચ્છકની પટણા હાઇકોર્ટમાં બદલી કરવાની સુપ્રીમ કોર્ટ કોલેજીયમે ભલામણ કરી છે.તેમની સાથે જ ગુજરાત હાઇકોર્ટના અન્ય ત્રણ ન્યાયાધીશોની પણ અલગ અલગ સ્થળે બદલીની ભલામણ કરવામાં આવી છે
સમગ્ર દેશમાં ભારે ચકચાર જગાવનાર મોદી સરનેમ કેસમાં જસ્ટિસ પ્રચ્છકે સ્ટે આપવાનો ઇન્કાર કરી દીધા બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બી.આર ગવઇના નેતૃત્વ હેઠળની બેંચે એ ચુકાદા સામે સ્ટે આપતાં રાહુલ ગાંધીનું સાંસદ પદ બહાર થયું હતું. સુપ્રીમ કોર્ટે એ ચુકાદો આપતી વેળાએ ગુજરાતની અદાલતો એ કરેલ કેટલાક અવલોકનો અંગે નિર્દેશાત્મક ટિપ્પણી પણ કરી હતી યોગાનુયોગ એ ચુકાદો આપનાર જસ્ટિસ ગવઇ સુપ્રીમ કોર્ટ કોલેજીયમના પણ સભ્ય છે.
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ કોલેજીયમે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એ. વાય. કોગજે ની અલ્હાબાદ હાઇકોર્ટમાં, જસ્ટિસ કે ગીતા ગોપીની મદ્રાસ હાઇકોર્ટમાં તેમજ જસ્ટિસ સમીર જે દવેની રાજસ્થાન હાઇકોર્ટમાં બદલી કરવાની પણ ભલામણ કરી છે.
કોલેજીયન દ્વારા અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ વી. કે. સિંઘની મદ્રાસ હાઇકોર્ટમાં તેમજ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના એ. એસ.સાંગવાન, જસ્ટિસ અવનીશ જીંગહન, જસ્ટિસ આર. એમ. સિંઘ અને જસ્ટિસ અરુણ મોંગાની અનુક્રમે અલ્હાબાદ, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન હાઇકોર્ટમાં બદલી કરવાની ભલામણો કેન્દ્ર સરકારને મોકલી આપી હતી.
ભલામણ નો અમલ ક્યારે થશે?
સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટમાં ન્યાયધીશોની નિમણૂક તેમજ બદલી અંગેની સુપ્રીમ કોર્ટ કોલેજીયન ની ભલામણો સ્વીકારવા માટે કેન્દ્ર સરકાર બંધાયેલી છે. જોકે સરકાર પોતાને અનુકૂળ ન હોય તેવી ભલામણોની ફાઈલો લાંબા સમય સુધી પેન્ડિંગ રાખતી હોવાના આક્ષેપો થતાં રહ્યા છે. કેન્દ્ર સરકાર ધારે તો એક વખત સુપ્રીમ કોર્ટ કોલેજીયન ની ભલામણ પરત મોકલી શકે છે પણ જો કોલેજીયમ બીજી વખત ફરીથી ભલામણ કરે તો તે પછી તે સ્વીકારવી જ પડે છે. આ બધી પ્રક્રિયામાં ખૂબ વિલંબ થતો હોવાથી કોલેજીયમે કરેલી આ બધી ભલામણોનો અમલ ક્યારે થશે તે કહેવું મુશ્કેલ છે