વિધાનસભાની પેટા ચૂંટણીમાં NDAને ઝટકો : 13 બેઠકોમાંથી 11 બેઠકો પર INDIAના ઉમેદવારોનો વિજય
સાત રાજ્યોની વિધાનસભાની 13 બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપ અને એનડીએને મોટો ઝાટકો લાગ્યો હતો. 13 બેઠકોમાંથી 11 બેઠકો પર કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોના ઉમેદવારો વિજય થયા હતા. ભાજપે 11 ઉમેદવારો ઊભા રાખ્યા હતા તેમાંથી નવ ઉમેદવારોને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે. પશ્ચિમ બંગાળમાં ભાજપે તમામ ચાર બેઠકો ગુમાવી હતી. હિમાચલ પ્રદેશમાં પણ ત્રણમાંથી બે બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો વિજયી થયા હતા. તમિલનાડુમાં ધારણા મુજબ જ ડીએમકેનો વિજય થયો છે. બિહારમાં લોકસભાની ચૂંટણીમાં ઉજવળ દેખાવ કરનાર જેડીયૂના ઉમેદવારનો રુપૌલી ની બેઠક પર અપક્ષ ઉમેદવાર સામે પરાજય થયો હતો. પંજાબમાં જલંધર વેસ્ટ ની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટાયા હતા. ભાજપનો ગઢ ગણાતા ઉત્તરાખંડમાં પણ બંને બેઠક ઉપર ભાજપનો પરાજય થયો છે.જ્યારે મધ્યપ્રદેશની અમરવાડા બેઠક પર ભારે રસાકસી બાદ ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો.
બોક્સ
પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડમાં ભાજપને કારમી પછડાટ
પશ્ચિમ બંગાળમાં ચાર બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. ગત વિધાનસભાની ચુંટણીમાં રાજગંજ, રંગઘાટ દક્ષિણ અને બાગદાહ ની બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. એ ધારાસભ્ય બાદમાં ટીએમસી માં જોડાઈ જતા એ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી અને તે ત્રણે બેઠકો પર ટીએમસીના ઉમેદવારો વિજય થતા ભાજપે ત્રણ બેઠક ગુમાવી છે. એ જ રીતે મનીકટાલા બેઠક ટીએમસી ના સીટિંગ ધારાસભ્યના અવસાનને કારણે ખાલી પડી હતી. એ બેઠક ઉપર પણ ટીએમસીનો વિજય થયો છે. ઉત્તરાખંડના પરિણામો પણ ભાજપ માટે આંચકાજનક સાબિત થયા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં બદ્રીનાથ ની બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ભંડેરી પક્ષપલટો કરી ભાજપમાં જોડાઈ ગયા હતા. આ વખતે તેઓ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા પરંતુ કોંગ્રેસના લખપતસિંગ બુગેલા સામે તેમને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો. એ જ રીતે ઉતરાખંડની મેંગલોર બેઠક ઉપર પણ કોંગ્રેસના ઉમેદવાર કાઝી મોહમ્મદ નિઝામુદ્દીન વિજયી થયા હતા. એ બેઠક પર બીએસપીના સીટીંગ ધારાસભ્ય નું મૃત્યુ થતાં ચૂંટણી યોજાઈ હતી.
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીના પત્ની વિજયી : પંજાબમાં આપનો વિજય
હિમાચલ પ્રદેશમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટાયેલા ત્રણેય ધારાસભ્યો રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા હતા અને ભાજપના ઉમેદવાર તરીકે આ ચૂંટણી લડ્યા હતા. તે પૈકી માત્ર હમીરપુર ની બેઠક ઉપર જ ભાજપના એક ઉમેદવાર ચૂંટાયા છે. દેહરાની બેઠક ઉપર હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દ્રસિંહ સુખુના ધર્મપત્ની કમલેશ ઠાકોરનો વિજય થયો હતો. નાલાગઢની બેઠક ઉપર પણ કોંગ્રેસના ઉમેદવાર 8998 મતની સરસાઇથી વિજયી થયા હતા.આ પરિણામને પગલે હિમાચલ પ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસના સંખ્યા બોર્ડમાં બે ધારાસભ્યોનો વધારો થયો છે. પંજાબમાં જાલંધર વેસ્ટની બેઠક પર ગત વિધાનસભામાં વિજય થયેલા ધારાસભ્ય શીતલ આગરૂલ લોકસભાની ચૂંટણી પૂર્વે પક્ષપલટો કરી ભાજપમાં જોડાયા હતા પણ એ બેઠક પર તેમની સામે આપના ધારાસભ્ય મોહીનદર ભગત 37,325 મતની જંગી સરસાઈથી ચૂંટાઈ આવ્યા હતા.
રાજ્યવાર પરિણામ
પશ્ચિમ બંગાળ: બેઠક 4, તમામ પર ટીએમસી વિજયી
હિમાચલ પ્રદેશ: બેઠક 3 ,બે કોંગ્રેસને,એક ભાજપને
ઉત્તરાખંડ : બેઠક 2, બન્ને બેઠકો પર કોંગ્રેસનો વિજય
તામિલનાડુ: બેઠક 1, ડીએમકેનો વિજય
મધ્ય પ્રદેશ: બેઠક 1, ભાજપનો વિજય
બિહાર: બેઠક 1,અપક્ષ વિજયી
પંજાબ: બેઠક 1, ‘ આપ ‘ વિજયી
બોક્સ
આ બેઠકો પર મતદાન થયું હતું
બિહારની રૂપૌલી, પશ્ચિમ બંગાળની રંગઘાટ દક્ષિણ, બાગદાહ અને મનીકટાલા, તામિલનાડુની વિક્રવાંડા, મધ્યપ્રદેશની અમરપારા, ઉત્તરાખંડની બદ્રીનાથ અને મેંગલુર, પંજાબની જલંધર વેસ્ટ અને હિમાચલ પ્રદેશની દેહરા, હમીરપુર અને નાલાગઢ બેઠકો પર ચૂંટણી થઈ હતી.