ઓડીસામાં ભાજપે હવે નવીન પટનાયક સામે મોરચો માંડ્યો
પટનાયક જી-20 ડિનરમાં ઉપસ્થિત ન રહ્યા
ભાજપ એ કહ્યું, ‘લઘુતાગ્રંથિથી પીડાય છે ‘
G20 સમિટ પૂરી થઈ ગઈ પણ તેના રાજકીય પડઘાં હજુ પણ ગાજી રહ્યા છે. એ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા આયોજિત ડિનરમાં ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક ઉપસ્થિત ન રહેતા રાજકારણ ગરમાયુ છે. ઓડીસા ભાજપના નેતા અને વિપક્ષના વડા જય નારાયણ મિશ્રાએ નવીન પટનાયક લઘુતાગ્રંથિથી પીડાતા હોવાને કારણે ડિનરમાં ભાગ ન લીધો હોવાનું જણાવતા બંને પક્ષો સામસામે આવી ગયા છે.
મિશ્રાએ કહ્યું કે દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તો નવીન પટનાયકે તેમને પોતાના બહેન ગણાવ્યા હતા પણ એ બહેને યોજેલા સમારંભમાં જ ઉપસ્થિત ન રહ્યા. તેમણે વિશેષમાં ઉમેર્યું કે જ્યાં મહાન વ્યક્તિઓ ભેગી થઈ હોય ત્યાં પોતે શું કરશે એવા વિચારને કારણે પટનાયકે કદાચ ભાગ લેવાનું ટાળ્યું હશે. આટલેથી ન અટકતા તેમણે વળી ટોળો માર્યો કે પટનાયક આમ તો એ ભોજન સમારંભમાં ન ગયા એ જ સારું થયું, ઓડીસાની આબરૂ બચી ગઈ.
ઉલ્લેખનીય છે કે નવીન પટનાયક હમેશા વિપક્ષી મોરચા થી દૂર રહ્યા છે. સંસદમાં અનેક અગત્યના બિલ અને ખરડા ઉપર તેઓ કેન્દ્રની ભાજપ સરકારને ટેકો આપતા રહ્યા છે. મોદી અને શાહ જેવા ભાજપના ટોચના નેતાઓ પણ નવીન પટનાયકની વ્યક્તિગત ટીકા નથી કરતા ત્યારે ઓડિશા ભાજપના નેતાની આ હીન સ્તરની ટીકા ઓડિશામાં બદલાઈ રહેલા રાજકીય સમીકરણોના નિર્દેશ આપે છે તેવું માનવામાં આવે છે.