ભરૂચની યુવતી મસ્કતમાં ફસાઈ, વીડિયો બનાવી બચાવવા અપીલ કરી
ભરૂચ જિલ્લાની મુસ્મિલ મહિલા ઓમાનમાં ફસાઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કબૂતરબાજ એજન્ટની ચુંગાલમાં મહિલા ફસાતા વીડિયોના માધ્યમથી ભારત સરકારને બચાવવા માટે અપીલ કરી છે.
મસ્કતમાં ફસાયેલા મહિલાએ ઇન્ડિયન એમ્બેસી અને વડાપ્રધાન મોદીને વીડિયોના માધ્યમથી હેલ્પ કરવા માટે અપીલ કરી છે. કામના બહાને વિદેશ મોકલ્યા બાદ અત્યાચાર થતો હોવાનો ઉલ્લેખ કર્યો. મહિલાને બે પુત્રી અને બે પુત્રો હોવાનું જાણવા મળ્યું છે.
પીડિતાએ વીડિયોમાં શું કહ્યું?
પીડિત યુવતી કહે છે કે, ‘મારું નામ તસ્લિમા ઇલ્યાસ પટેલ છે. હું ભરૂચ જિલ્લાના વાગડા તાલુકાની નાદેરા ગામની રહેવાસી છું. મારું પિયર ભરુચના મદિના પાર્કમાં છે. મને ઇન્દોરના એજન્ટ અને એક માસીએ ઓમાનમાં ફસાવી દીધી છે. હવે મને વેચવાની કોશિશ કરે છે. એજન્ટ મને જૂઠું બોલીને બે દિવસ ઓફિસમાં રાખવાનું કહ્યું હતું અને ત્યાંથી હવે ઇન્ડિયા મોકલવાનું ના કહે છે.
વધુમાં તે આપવીતી જણાવતા કહે છે કે, ‘મને મારઝૂડ કરે છે, ટોર્ચર કરે છે. મને ખાવા પણ નથી આપતો. ફોન પણ ચાર્જ નથી કરવા દેતો. મને મદદ કરો. મને મદદની જરૂર છે. કદાચ મને મારી નાંખે. મને બચાવી લો. હુંમસ્કતમાં છું. એરપોર્ટ અહીંથી થોડું આઘું છે. મને આ એરિયાનું નામ નથી આવડતું. પ્લીઝ મારી હેલ્પ કરો.’