છત્તીસગઢના બસ્તરમાં પાંચ માઓવાદીઓ ઠાર , બે જવાન ઇજાગ્રસ્ત
છત્તીસગઢના બસ્તરમાં સુરક્ષાદળોએ પાંચ માઓવાદીઓને ઠાર માર્યા છે. આ એન્કાઉન્ટરમાં બે સૈનિકો પણ ઇજાગ્રસ્ત થયા છે. શનિવારે સવારે બસ્તર જિલ્લાના અબુઝમાડના જંગલોમાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ વિસ્તાર છત્તીસગઢના બસ્તર વિભાગના કાંકેર-નારાયણપુર જિલ્લાની સરહદે આવેલો છે.
સુરક્ષા જવાનોને એન્કાઉન્ટર સ્થળ પરથી પાંચ હથિયાર અને વિસ્ફોટક મળી આવ્યા છે. માઓવાદીઓના હુમલામાં ડીઆરજીના બે જવાનો પણ ઇજાગ્રસ્ત થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. ઇજાગ્રસ્ત જવાનોને હાલ એરલિફ્ટ કરીને રાયપુર લઈ જવાયા છે અને તેમની હાલત સ્થિર જણાવવામાં આવી રહી છે. બસ્તર રેંજના પોલીસ મહાનિરીક્ષક પી સુંદરરાજે જણાવ્યું કે આ એન્કાઉન્ટર જંગલોમાં થયું હતું.