અંતે બાબા રામદેવે મોટી સાઇઝની જાહેરાત આપી માફી માંગી
સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કર્યું, અદાલતે ઝાટકણી કાઢી હતી
યોગ ગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડના સહ-સંસ્થાપક બાલકૃષ્ણએ બુધવારના રોજ અખબારોમાં એક નવો અહેવાલ જારી કર્યો હતો. ભ્રામક જાહેરાતના મામલામાં સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન ન કરવા બદલ જાહેરાત પ્રકાશિત કરી અને ફરીથી જાહેરમાં માફી માંગી છે. સુપ્રીમ કોર્ટે મોટી સાઇઝની જાહેરાત આપીને માફી માંગવાનો આદેશ કર્યો હતો.
મંગળવારે જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાની બેન્ચે રામદેવ અને બાલકૃષ્ણ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીને પૂછ્યું હતું કે શું તમારી માફી તમારી ભ્રામક જાહેરાત જેટલી મોટી છે. સુપ્રીમ કોર્ટની આ ઝાટકણી બાદ પતંજલિએ અખબારોમાં ગઈકાલ કરતાં મોટી જાહેરાત પ્રકાશિત કરીને બિનશરતી જાહેર માફી માંગી હતી.
અમે બિનશરતી જાહેર માફી માંગીએ છીએ – પતંજલિ
બુધવારના સવારના અખબારોમાં પ્રસિદ્ધ થયેલી જાહેરાતનું શીર્ષક છે “બિનશરતી જાહેર માફી”. પતંજલિએ તેની જાહેરાતમાં લખ્યું છે કે, “ભારતની સુપ્રીમ કોર્ટ સમક્ષ ચાલી રહેલા કેસને ધ્યાનમાં રાખીને, અમે, અમારી વ્યક્તિગત ક્ષમતા તેમજ કંપની વતી, નિર્દેશોનું પાલન ન કરવા અથવા અનાદર કરવા બદલ બિનશરતી માફી માંગી છીએ.