બાંગ્લાદેશમાં ભારત વિરોધી શક્તિઓ અને કટ્ટરવાદીઓ માથું ઊંચકે તેવી ભિતી
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાની હકાલપટ્ટી પછી ભારત માટે જબરૂ રાજકીય ધર્મસંકટ સર્જાયું હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. એક તરફ તો શેખ હસીનાને
ભારતમાં આશરો આપી અને ભારત મિત્રતા નિભાવી જાણે છે તેવો સંદેશો આપ્યો છે તો બીજી તરફ બાંગ્લાદેશમાં બનનારી નવી સરકાર સાથે પણ ભારત સુમેળભર્યા સંબંધોની ઈચ્છા રાખે છે આ સંજોગોમાં ભારતે શેખ હસીનાનું ભારતનું રોકાણ કામચલાઉ હોવાના સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે.
બાંગ્લાદેશમાં બનેલા ઝડપી નાટ્યાત્મક બનાવો ઉપર ભારત ચાંપતી નજર રાખીને બેઠું છે. સોમવારે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિની બેઠક મળી હતી જેમાં બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તનની ભારત પર પડનારી અસરો અને હવે પછી ની ભારતની ભૂમિક અંગે ચર્ચા કરવામાં આવી હતી.
વિદેશ નીતિના નિષ્ણાંતોના મત મુજબ ભારત માટે આ રાજદ્વારી કસોટી નો સમય છે. શેખ હસીના ભારતના મિત્ર હતા અને તેમના શાસનકાળ દરમિયાન બંને દેશો વચ્ચે વ્યાપાર, સંદેશા વ્યવહાર, રોડ કનેક્ટિવિટી અને સરહદી સમસ્યાના ઉકેલ વગેરે ક્ષેત્રમાં ખૂબ નોંધપાત્ર કામ થયું હતું. શેખ હસીનાએ બાંગ્લાદેશના ઇસ્લામિક કટરવાદીઓ અને ભારત વિરોધી તાકાતોને કાબુમાં રાખી હતી પણ હવે તેઓ સત્તામાં નથી. આ સંજોગોમાં પાડોશી દેશ સાથેના સમીકરણો બદલાઈ ગયા છે અને ભારતે એ સંદર્ભે નવી નીતિ અખતયાર કરવી પડશે.
ઈસ્લામિક આતંકવાદીઓ ઉપાડો લેશે
શેખ હસીનાની વિદાય સાથે જ બાંગ્લાદેશના ભારત વિરોધી તત્વોને છૂટો મળી જશે તેવું માનવામાં આવે છે. ભારતને દુશ્મન માનતી બાંગ્લાદેશ નેશનલ પાર્ટી ના વડા અને ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદ ઝીયા 18 વર્ષ નો જેલવાસ ભોગવી રહ્યા હતા પણ સત્તા પરિવર્તન સાથે જ આર્મી ચીફ વકાર ઉસ ઝમાને તેમને જેલમુક્ત કરવાનો આદેશ આપ્યો એ ઘટનામાં બાંગ્લાદેશની ભાવિ ઘરેલું રાજનીતિના નિર્દેશ મળે છે. નવી સરકારમાં બાંગ્લાદેશ નેશનલ પાર્ટી ઉપરાંત અંતિમવાદી ઈસ્લામિક વિચારધારામાં માનતી જમાત એ ઈસ્લામી અને ઈસ્લામિક છાત્ર શિબિર જેવા સંગઠનો નું પ્રભુત્વ રહેશે તેવું માનવામાં આવે છે. બાંગ્લાદેશ નેશનલ પાર્ટી અને જમાત એ ઇસ્લામી ચીન સાથે ઘરોબો ધરાવે છે. જમાત એ ઈસ્લામી તો પાકિસ્તાનની આંગળીએ નાચતી હોવાનું માનવામાં આવે છે. આવા સંજોગોમાં બાંગ્લાદેશમાં ભારત વિરોધી જમાતનું વર્ચસ્વ રહેશે જે ભારત માટે ખતરા રૂપ ગણાય છે.
ભારત ફૂંકી ફૂંકીને છાશ પીવે છે
બાંગ્લાદેશની ઘટના અંગે ભારતે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી અને વ્યુહાત્મક મૌન ધારણ કરી લીધું છે. શેખ હસીનાને આપવામાં આવેલો આશરો પણ કામચલાઉ છે તેવા ભારતે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે. બાંગ્લાદેશમાં બનનારી નવી સરકારને ભારત દુશ્મન નથી બનાવવા માંગતું એટલે તેલ જુઓ તેમની ધાર જોવાની નીતિ અપનાવી છે. સાથે જ પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇ બાંગ્લાદેશ સાથેની 4,096 km લાંબી સરહદ પર હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. બાંગ્લાદેશમાંથી કોઈપણ શરણાર્થીને ભારતમાં પ્રવેશવા નહીં દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ભારતના પાડોશી દેશોમાં ચીનનું વધતું વર્ચસ્વ જોખમી
ભારતના તમામ પાડોશી દેશો રાજકીય અસ્થિરતાથી લઈ અને આર્થિક સમસ્યાઓ સામે ઝઝુમી રહ્યા છે.
મ્યાનમારમાં લશ્કરે સત્તા સંભાળી તે પછી ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ છે. ત્યાંથી શરણાર્થીઓ અને લડાકુઓ નોર્થ ઈસ્ટના રાજ્યોમાં ઘૂસણખોરી કરી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં તાલીબાની શાસન આવ્યા બાદ ભારતની ભૂમિકા સંકોચાઈ ગઈ છે. ચીન અને પાકિસ્તાન સાથે તો આપણી ખૂબ જાણીતી દુશ્મની છે.
આર્થિક સંકટમાં ખરપાઈ ગયેલું શ્રીલંકા ચીનના જંગી દેણા હેઠળ દબાયેલું છે. માલદીવસમાં ભારત વિરોધી શાસન છે અને ચીને ત્યાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે. ભારતના પાડોશી દેશોમાં એકમાત્ર ભૂતાન અને બાંગ્લાદેશ સાથે ભારતના નિર્વિવાદ મિત્રતા ભર્યા સંબંધો હતા પણ હવે બાંગ્લાદેશમાં પણ ભારત વિરોધી શક્તિઓનો ઉદય થઈ રહ્યો છે. બાંગ્લાદેશની નવી સરકાર અને ખાસ કરીને જમાત એ ઈસ્લામી અને ખાલીદા ઝીયા ચીન તરફી વલણ ધરાવે છે. બાંગ્લાદેશમાં ચીનનું પ્રભુત્વ વધે તે ભારત માટે ચિંતા નો વિષય માનવામાં આવે છે.
શેખ હસીના ભાવિના એંધાણ પારખી ગયા હતા
સૂત્રોના જણાવ્યા અનુસાર શેખ હસીના ઘર આંગણે તેમના વિરુદ્ધ થઈ રહેલા કાવતરાથી માહિતગાર હતા.
31 જુલાઈએ બાંગ્લાદેશના ભારતના રાજદૂત પ્રણવ વર્મા સાથેની મુલાકાત દરમિયાન તેમણે પોતાની જાન ઉપર ખતરો હોવાનું જણાવ્યું હતું. વિપક્ષી દળો પીએમ હાઉસ ઉપર હુમલો કરી તેમને મારી નાખવાની યોજના બનાવી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. માહિતગાર વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે શેખ હસીનાએ ભારતની મદદ માંગી હતી પરંતુ ભારતે સીધો હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો હતો પણ સાથે જ કટોકટી સર્જાય તો સત્વરે ભારત આવી જવાનું સૂચન કર્યું હતું. એવું માનવામાં આવે છે કે બાંગ્લાદેશમાં શેખ હસીના વિરુદ્ધ થઈ રહેલી ગતિવિધિઓ અંગે ભારત પાસે ઇન્ટેલિજન્સ માહિતી હતી. વકાર ઉસ ઝમાનને આર્મી ચીફ તરીકે નિમણૂક ન આપવાની ભારતે શેખ હસીના ને સલાહ આપી હતી પરંતુ તેમણે એ સલાહ અવગણી અને હવે તેનું ફળ ભોગવી રહ્યા છે.
યુકેના નિર્ણય ઉપર હવે બધાની નજર
શેખ હસીના તેમના બહેન રેહાના સાથે ભારત આવ્યા છે. રેહાના યુકેનું નાગરિકત્વ ધરાવે છે. તેમની પુત્રી તુલીપ સિદ્ધિક લેબર પાર્ટીના સભ્ય છે અને બ્રિટિશ સાંસદ છે. શેખ હસીનાએ યુકેમાં રાજકીય આશ્રય માગ્યો છે પણ યુકે સરકાર તરફથી હજુ સુધી એ સંદર્ભે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ભારતે પણ શેખ હસીના ને આપેલો આશરે વચગાળાનો હોવાનું જાહેર કર્યું છે આ સંજોગોમાં તેમનું ભાવી યુકેના નિર્ણય ઉપર અવલંબિત બની ગયું છે.
શેખ હસીના ચૂંટણી લડવા નહોતા માંગતા
શેખ હસીના ના પુત્રના જણાવ્યા અનુસાર તેમના માતા રાજકારણને અલવિદા કરી દેવા માગતા હતા. તેમણે સંસદની ચૂંટણી લડવાનો પણ એક તબક્કે ઇનકાર કર્યો હતો પરંતુ સમર્થકો અને પક્ષના કાર્યકરોની લાગણીને તેઓ અવગણી શક્યા નહીં. શેખ હસીના બાંગ્લાદેશના ઇસ્લામિક કટરવાદીઓ અને પશ્ચિમના દેશોના બદઇરાદા પારખી ગયા હતા. નોંધનીય છે કે શેખ હસીનાના પિતા મુજીબુર રહેમાન અને આખા પરિવારની હત્યા થઈ હતી. શેખ હસીના તેમના કોઈ વધુ પરિવારજનો દુશ્મનોની હિંસાનો ભોગ ન બને એ માટે ચિંતિત હતા અને એટલે જ તેમણે પોતાના પરિવારના કોઈ સભ્યને પુરોગામી બનાવવાનો ઇનકાર કરી દીધો હતો. તેમના પુત્ર એ પણ કહ્યું કે શેખ હસીનાએ રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેઓ હવે તેમના પૌત્ર પૌત્રીઓ સાથે સમય વિતાવશે એવું તેમના પુત્રએ જણાવ્યું હતું.