મારે ત્યાં દરોડા પાડવા ED યોજના ઘડી રહી છે: રાહુલ ગાંધીનો દાવો
- કહ્યું,” સ્વાગત છે,ચા બિસ્કીટ મારા તરફથી”
રાહુલ ગાંધીએ તેમની વિરૂધ્ધ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર એટલે કે ઇડી દરોડા પાડવાની યોજના કરી રહ્યું હોવાનો દાવો કર્યો હતો.ગુરુવારે મોડી રાત્રે X ઉપર ટ્વીટ કરી તેમણે કહ્યું કે ‘ટુ ઇન વન ‘ ને સંસદમાં મે કરેલું ચક્રવ્યૂહ વાળું ભાષણ માફક નથી આવ્યું.
રાહુલે કહ્યું કે ઇ ડી નું સ્વાગત છે.હું તેમને ખુલ્લે હાથે અવકરિશ અને ચા અને બિસ્કીટ મારા તરફથી.દરોડાના આ કથિત આયોજનની માહિતી તેમને ઇ ડી ના જ આંતરિક વર્તુળોએ આપી હોવાનો તેમણે દાવો કર્યો હતો.
નોંધનીય છે કે સંસદમાં રાહુલે કરેલું એ ભાષણ ખૂબ ચર્ચાસ્પદ બન્યું હતું. તેમણે કહ્યું હતું કે જે રીતે મહાભારતના યુદ્ધમાં કૌરવ પક્ષના છ મહારથીઓએ અભિમન્યુને ચક્રવ્યૂહ માં ફસાવી ને મારી નાખ્યો હતો તે રીતે અત્યારે છ મહારથીઓએ ભારતની જનતાને,યુવાનોને,કિસાનોને ચક્રવ્યૂહમાં ફસાવી દીધા છે. તેમણે ઉમેર્યું હતું કે ચક્રવ્યૂહ પદ્મવ્યૂહના નામે પણ ઓળખાય છે અને તેનો આકાર કમળ જેવો છે જેનું પ્રતીક વડાપ્રધાન પોતાની છાતી ઉપર ધારણ કરે છે.
રાહુલ ગાંધીએ વર્તમાન છ મહારથીઓ તરીકે વડાપ્રધાન મોદી,અમિત શાહ,અજીત ડોભાલ,મોહન ભાગવત, અદાણી અને અંબાણીના નામ આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે જાતિ ગણના કરાવીને અમે આ ચક્રવ્યૂહને તોડી નાખીશું.