હાય ગરમી !! દિલ્હીમાં રેકોર્ડ બ્રેક ગરમી, 52.3 ડિગ્રી તાપમાન નોંધાયું
હાલ દેશમાં ગરમીએ હાહાકાર મચાવી દીધો છે ત્યારે રાજધાની દિલ્હીમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આજે દિલ્હીમાં તાપમાનનો પારો ખુબ ઉંચો ગયો હતો અને સમગ્ર દેશમાં અત્યાર સુધીનો સૌથી વધુ રેકોર્ડ બનાવ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દિલ્હીમાં તાપમાનનો પારો 50 ડિગ્રીને પાર કરી ગયો હતો. બુધવારે દિલ્હીના મુંગેશપુરમાં 52.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગે દિલ્હીમાં હીટવેવનું હાઈ એલર્ટ જાહેર કર્યું છે. આ તાપમાન દિલ્હીની બહારના મુંગેશપુરમાં નોંધાયું હતું. તેણે રાજસ્થાનના રણમાં અગાઉના રાષ્ટ્રીય રેકોર્ડને 1 ડિગ્રી સેલ્સિયસથી વધુ વટાવી દીધો હતો. દેશના અન્ય બે વિસ્તારો જ્યાં અત્યંત ઊંચું તાપમાન નોંધાયું હતું બુધવારે રાજસ્થાનના રણ રાજ્યના ફલોદીમાં 51 ડિગ્રી સેલ્સિયસ અને ચુરુમાં 50.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું
અરબી સમુદ્રમાંથી આવતી ભેજવાળી હવાને કારણે આજે દક્ષિણ રાજસ્થાનના બાડમેર, જોધપુર, ઉદયપુર, સિરોહી અને જાલોર જિલ્લામાં તાપમાનમાં 4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાયો છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં ગરમીમાં થોડો ઘટાડો થવાનો આ સંકેત છે.
અનેક જગ્યાએ આકાશમાં વાદળો ઘેરાયા
દિલ્હીમાં તાપમાનનો પારો 52 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, જ્યારે દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. ઘણી જગ્યાએ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. જો કે હજુ પણ વાતાવરણમાં ગરમી યથાવત રહેતા લોકો ગરમીનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગે 30 અને 31 મેના રોજ દિલ્હીમાં વરસાદની આગાહી કરી છે.