મોતને 25 મિનિટનું છેટું રહી ગયું,બધું ખાક થઈ ગયું : શેખ હસીના
હત્યાનો કાવતરું ઘડાયું હોવાનો આક્ષેપ
પ્રજાજનો જોગ ઓડિયો ટેપમાં વ્યથા વ્યક્ત કરી
બાંગ્લાદેશમાં ઈન્સેક્ટ તોફાનો ફાટી નીકળ્યા બાદ રાજીનામું આપી અને ભારતના આશરે આવી ગયેલા બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ હરીફો દ્વારા તેમની હત્યાનું કાવતરું ઘડાયું હોવાનો આક્ષેપ કર્યો હતો.
બાંગ્લાદેશના પ્રજાજનો જોગ જારી કરેલા ઓડિયો મેસેજમાં તેમણે કહ્યું કે પાંચમી ઓગસ્ટે સલામત રીતે ભાગી છૂટવામાં હું સફળ ન રહી હોત તો મારી અને મારી બેનની હત્યા થઈ હોત. તેમણે પોતાના બચાવ બદલ અલ્લાહનો આભાર માની અને કહ્યું કે કદાચ અલ્લાહ મારી પાસે વધુ કંઈક કામ કરાવવા માગતા હશે. નોંધનીય છે કે પાંચમી ઓગસ્ટે શેખ હસીના એરપોર્ટ પહોંચ્યા તેની થોડી મિનિટો પછી જ ટોળું તેમના સતાવાર નિવાસસ્થાને ઘસી ગયું હતું અને ભારે તોડફોડ કરી હતી.
શેખ હસીનાએ તેમની હત્યા માટે કુલ પાંચ વખત પ્રયાસો થયા હોવાનો દાવો કર્યો હતો. તેમણે તેઓ 2004માં વિપક્ષના નેતા હતા ત્યારે થયેલા હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. 21 ઓક્ટોબર 2004 ના રોજ હવા મેં લીગની રેલી ઉપર ગ્રેનેડ એટેક થયો હતો જેમાં તેમને ઈજા પહોંચી હતી. એ ભયંકર હુમલામાં 24 લોકોના મૃત્યુ થયા હતા અને 500 લોકો ઘાયલ થયા હતા. શેખ હસીનાએ સંદેશામાં પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું,” હું અસહ્ય પીડા અનુભવી રહી છું મારી પાસે મારો દેશ નથી, મારી પાસે મારું ઘર નથી.
બધું બળીને ખાક થઈ ગયું છે”. અત્રે ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશની વર્તમાન સરકાર દ્વારા શેખ હસીના સામે ભ્રષ્ટાચાર તેમજ હત્યાના ગુનાઓ નોંધવામાં આવ્યા છે અને તેમને વોન્ટેડ જાહેર કરાયા છે. બાંગ્લાદેશે તેમના પ્રત્યાર્પણની ભારત સરકાર પાસે માંગણી કરી છે. 77 વર્ષીય શેખ હસીના 5 ઓગસ્ટ 2024 થી ભારતમાં આશરો લઈ રહ્યા છે.