ચંદ્રના દ્વાર પર પહોંચ્યું ચંદ્રયાન -3
યાને છેલ્લી પાંચમી યાત્રા પણ સફળતાથી પૂરી કરી, સપાટીની નજીક ગયું, કાલે પ્રપલશન અને લેન્ડર મોડ્યુલ અલગ પડશે
વિશ્વભરમાં ભારતનું નામ રોશન કરી રહેલા ચંદ્રયાન-3 એ પોતાની પાંચમી અને છેલ્લી યાત્રા પણ સફળતાથી પૂરી કરી લીધી છે અને તે હવે ચંદ્રમાના દ્વાર પર પહોંચી ગયું છે. ઇસરોએ આજે આમુજબની જાહેરાત કરી હતી.
મિશનમાં આજનો તબક્કો પણ ખૂબ મહત્વનો હતો. છેલ્લી યાત્રાની સફળતા બાદ યાન ને 153 કિમી બાય 163 કિમીની કક્ષમાં સ્થાપિત કરાયું છે. ચંદ્રની અંતિમ કક્ષામાં એન્ટ્રી બાદ હવે યાન ને આગળના મહત્વપૂર્ણ ઓપરેશન હેઠળ લેન્ડર મોડ્યુલને પ્રપલશાન મોડ્યૂલથી અલગ કરવામાં આવશે. આ પ્રક્રિયા આવતી કાલે થશે.
ઇસરોએ એવી માહિતી આપી છે કે આવતી કાલે થનારી પ્રક્રિયામાં બંને મોડ્યૂલ પોતાની અલગ અલગ યાત્રા પર નીકળશે. ત્યારબાદ પ્રપલશન મોડ્યુલ ચંદ્રમાની ચારેકોર ચક્કર લગાવશે અને ડેટા એકત્ર કરશે. સાથે તે પૃથ્વીનું નિરીક્ષણ પણ કરશે. જ્યારે લેન્ડર પોતાની મહાટવાની યાત્રા શરૂ કરશે.
23 ઓગસ્ટના રોજ યાન ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ ઇલાકામાં એક હળવા લેન્ડિંગનો પ્રયાસ કરશે જે યાન ની સફળતાનું અંતિમ ચરણ હશે. ઇસરોએ એમ પણ કહ્યું છે કે લેન્ડર સાંજે 5-47 વાગે ચંદ્રની સપાટી પર ઊતરવાની આશા છે. સફળતા બાદ પ્રજ્ઞાન નામનું રોવર વિક્રમ લેન્ડરથી બાહર નીકળશે અને પાસેના ચંદ્ર વિસ્તારની ઓળખ કરશે.
ત્યારબાદ તે ચંદ્રના વિભિન્ન હિસ્સાઓની તસવીરો પૃથ્વી સુધી મોકલશે.દેશ માટે ગૌરવની ઘડી વધુ નજીક આવી રહી છે અને વિશ્વ આખાની નજર મંડાઇ છે. યાન ભારતની ગૌરવગાથા ફેલાવી રહ્યું છે અને ઇસરોના જોશ, ઊતસાહમાં વધારો થઈ રહ્યો છે.