ભયાનક હિંસા વચ્ચે બાંગ્લાદેશના PM શેખ હસીનાએ આપ્યું રાજીનામું : દેશ છોડીને આવી શકે છે દિલ્હી
બાંગ્લાદેશમાં આરક્ષણને લઈને શરૂ થયેલા વિરોધોએ ખૂબ જ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. ગુસ્સે ભરાયેલા લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે અને દરેક જગ્યાએ હિંસા ફેલાવી રહ્યા છે અને સરકારી મિલકતોને આગ લગાવી રહ્યા છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે. ઢાકા ટ્રિબ્યુનના સમાચાર મુજબ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ શેખ હસીના ખાસ આર્મી હેલિકોપ્ટરમાં ભારત જવા રવાના થયા છે. ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે આર્મી વચગાળાની સરકાર રચશે . આર્મી ચીફ શાંતિ જાળવવા અપીલ કરી છે.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે ગઈકાલે ભીષણ અથડામણમાં 98 લોકો માર્યા ગયા બાદ બાંગ્લાદેશના આર્મી ચીફ વકાર-ઉઝ-ઝમાન આજે રાષ્ટ્રને સંબોધિત કરવાના છે. ગયા મહિને શરૂ થયેલા વિરોધ પ્રદર્શન બાદ મૃત્યુઆંક 300ને વટાવી ગયો છે. વડા પ્રધાન હસીનાના રાજીનામાની માગણી કરતા હજારો વિરોધીઓએ કર્ફ્યુનું ઉલ્લંઘન કરીને રાજધાનીના રસ્તાઓ પર કૂચ કરી હતી. જે બાદ શેખ હસીનાના રાજીનામાના સમાચાર આવ્યા હતા.
ભારતે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે
બાંગ્લાદેશમાં હિંસક વિરોધ વચ્ચે ભારતે પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. બાંગ્લાદેશની તાજેતરની સ્થિતિને ધ્યાનમાં રાખીને, વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને આગામી આદેશ સુધી બાંગ્લાદેશની યાત્રા ન કરવા માટે કડક સૂચના આપી છે. ભારતના વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશમાં હાજર તેના નાગરિકો માટે હેલ્પલાઇન નંબર પણ જારી કર્યો છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “વર્તમાન ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને કડક સલાહ આપવામાં આવે છે કે તેઓ આગામી આદેશ સુધી બાંગ્લાદેશની મુસાફરી ન કરે.
“હાલમાં બાંગ્લાદેશમાં રહેલા તમામ ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અત્યંત સાવધાની રાખે, તેમની હિલચાલ મર્યાદિત કરે અને ઢાકામાં ભારતીય હાઈ કમિશન સાથે ઈમરજન્સી ફોન નંબર દ્વારા સંપર્કમાં રહે.”
વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશમાં હાજર ભારતીય નાગરિકોને આ નંબરો +8801958383679, +8801958383680, +8801937400591 પર સંપર્ક કરવા જણાવ્યું છે. ભારતે રવિવારે રાત્રે બાંગ્લાદેશમાં રહેતા તેના તમામ નાગરિકોને પડોશી દેશમાં હિંસા વચ્ચે “અત્યંત સાવધાની” રાખવા અને તેમની હિલચાલ મર્યાદિત કરવાની સલાહ આપી હતી.
રવિવારે હિંસક અથડામણમાં 90 લોકોના મોત થયા હતા
ઢાકાના અહેવાલો અનુસાર, રવિવારે બાંગ્લાદેશના વિવિધ ભાગોમાં સુરક્ષા દળો અને સરકાર વિરોધી વિરોધીઓ વચ્ચેની ભીષણ અથડામણમાં 14 પોલીસકર્મીઓ સહિત ઓછામાં ઓછા 90 લોકો માર્યા ગયા હતા. પ્રદર્શનકારીઓ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહ્યા છે.
જાણો શા માટે હિંસા ફાટી નીકળી છે ?
અનામતના મુદ્દે બાંગ્લાદેશમાં ઘણી વખત હિંસા ભડકી હતી. પ્રદર્શનકારીઓએ માંગ કરી હતી કે 1971 સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારો માટે 30 ટકા સરકારી નોકરીઓ અનામત રાખતી ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવામાં આવે. અગાઉ જ્યારે હિંસા ફાટી નીકળી ત્યારે કોર્ટે ક્વોટાની મર્યાદા ઘટાડી દીધી હતી. પરંતુ હિંસા અટકી ન હતી અને હવે વિરોધીઓ શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 11 હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
અધિકારીઓએ દાવો કર્યો હતો કે વિરોધીઓએ પોલીસ સ્ટેશનો, શાસક પક્ષના કાર્યાલયો અને તેમના નેતાઓના રહેઠાણો પર હુમલો કર્યો અને અનેક વાહનોને સળગાવી દીધા. સરકારે મેટા પ્લેટફોર્મ ફેસબુક, મેસેન્જર, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામને બંધ કરવાનો આદેશ આપ્યો છે.
અગાઉ જુલાઈમાં પણ વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન હિંસા થઈ હતી. તે સમયે ઢાકાના મુન્શીગંજ જિલ્લાના એક પોલીસકર્મીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે આખું શહેર યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું છે.