યુપીમાં કવયિત્રીના હત્યારા બાહુબલી નેતાને સજામાફી
ચકચારી કેસમાં પતિ પત્ની બંનેને સજા થઈ હતી
યોગી સરકારના નિર્ણયથી મોટો વિવાદ સર્જાયો
ઉત્તર પ્રદેશમાં 2003માં એક યુવાન કવયિત્રીની હત્યા બદલ આજીવન કેદની સજા કાપી રહેલા ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ બાહુબલી મંત્રી અમરમણી ત્રિપાઠી અને તેમના પત્નીને યોગી સરકારે માફી આપી જેલ મુક્ત કરવાનો નિર્ણય કરતા ભારે ચકચાર જાગી છે. સરકારે સારી વર્તણુકના નામે આ સજામાંથી આપી હોવાનો ખુલાસો કર્યો છે. સરકારના નિર્ણય સામે હત્યાનો ભોગ બનનારી કવયિત્રીના પરિવારજનોએ સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી છે.નોંધનીય છે કે અમરમણી ત્રિપાઠી ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. બહુજન સમાજ પાર્ટીમાં તેમની ગણના માયાવતીના જમણા હાથ તરીકે થતી હતી અને માયાવતી સરકારમાં તેમણે કેબિનેટ કક્ષાનું પ્રદાનપદ પણ મેળવ્યું હતું.
ઉત્તર પ્રદેશની ક્રાંતિકારી કવયિત્રી મધુમિતા શુક્લની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે સમયે તેમની ઉંમર 24 વર્ષની હતી અને તેઓ ગર્ભવતી હતા.આ કેસ સીબીઆઇને સોંપવામાં આવ્યો હતો. એ ગર્ભસ્થ બાળકના પિતા અમરમણી ત્રિપાઠી હોવાનું સીબીઆઇની ફોરેન્સિક તપાસમાં ખુલ્યું હતું. સીબીઆઇ તેમની ધરપકડ કર્યા બાદ જો કે સાત મહિનામાં જ અલ્હાબાદ કોર્ટે ત્રિપાઠીને જામીન આપી દીધા હતા.અમરમણી ત્રિપાઠી વગદાર નેતા હોવાને કારણે ઉત્તર પ્રદેશમાં ન્યાય નહીં મળે એવી પરિવારજનોની માગણી બાદ સુપ્રીમ કોર્ટે કેસ દેહરાદુન કોર્ટમાં ટ્રાન્સફર કર્યો હતો અને દેહરાદુન કોર્ટે અમરમણી ત્રિપાઠી તેમના પત્ની મધુમતી તથા અન્ય બે શખ્સોને આજીવન કેદની સજા ફરમાવી હતી. આ હત્યારાઓએ માફી આપવાના નિર્ણયની ભારે ટીકા થઈ રહી છે. ભાજપને 2024 માં ગમે તેમ કરીને ચૂંટણી જીતવી હોવાથી અમર મણી ત્રિપાઠીને માફી આપી છે એવો અખિલેશ યાદવ એ આક્ષેપ કર્યો હતો.
આ બે કેસ પણ વિવાદમાં
ગુજરાતમાં બિલકીસ બાનો સામુહિક દુષ્કર્મ અને હત્યાકાંડના દોષિતોને સજા માફી આપવાના ગુજરાત સરકારના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં કાનૂની જેમ ચાલે છે. એ જ રીતે બિહારમાં 1994 માં ગોપાલગંજના કલેક્ટર જી.ક્રિષ્નૈયા ની હત્યા કેસમાં આજીવન કેદ પામેલા બિહારના બાહુબલી નેતા આનંદ મોહનને માફી આપવાના બિહાર સરકારના નિર્ણયને પણ પડકારવામાં આવ્યો છે.
