દિલ્હીમાં સુપ્રીમ કોર્ટના મહિલા વકીલની પતિના હાથે જ હત્યા
હત્યા કર્યા બાદ 24 કલાક સ્ટોર રૂમમાં પુરાયેલો રહ્યો
બંગલો વેચવા બાબતે થયેલા મતભેદ કારણભૂત
વધુ એક હત્યાએ રાજધાનીને હચમચાવી દીધી છે.
61 વર્ષના સુપ્રીમ કોર્ટના મહિલા વકીલ રેણુ સિંહાનો હત્યા કરાયેલો મૃતદેહ સોમવારે નોઈડા સેક્ટર 30 માં આવેલા તેમના બંગલાના બાથરૂમમાંથી મળી આવ્યો હતો. આ હત્યા તેના પતિ નીતિન નાથ સિંહાએ જ કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. ભોગ બનેલી મહિલા વકીલ નો ફોન સતત બે દિવસ સુધી નો રીપ્લાય થતા તેમના ભાઈએ પોલીસને જાણ કરી હતી.
પોલીસે મહિલા વકીલના નિવાસસ્થાને તપાસ કરતા બાથરૂમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.આ ઘટનામાં મહિલાના પતિ જ શંકા ના પરિઘમાં આવી જતા પોલીસે તેમની શોધખોળ હાથ કરી હતી. એ દરમિયાન મોબાઈલ લોકેશનના આધારે 24 કલાક કરતાં વધારે સમયથી બંગલાના સ્ટરેરૂમમાં સંતાઈ ગયેલા પતિને ઝડપી લીધો હતો.
પોલીસની પૂછપરછમાં નીતિન સિંહાએ બંગલો વેચવા બાબતે થયેલા મતભેદ ને કારણે હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી.પોલીસના જણાવ્યા મુજબ નીતિન સિંહા બંગલો વેચવા માંગતા હતા અને વેચાણ પેટે પ્રોપર્ટી ડીલર પાસે થી આંશિક રકમ મેળવી લીધી હતી.મહિલા વકીલ બંગલો વેચવાનો વિરોધ કરતા હતા.એ મુદ્દે બોલાચાલી થયા બાદ નીતિને પત્નીને બેરહેમીપૂર્વક માર મારીને બાદમાં ઓશિકા વડે ગૂંગળાવી દઈ મોતને ઘાટ ઉતારી દીધી હતી.ઘટના સમયેઆ દંપતીનો એકમાત્ર પુત્ર વિદેશમાં હોવાનું તપાસમાં ખુલ્યું હતું.