બદ્રીનાથનાં રસ્તા પર પહાડનો એક મોટો ભાગ ધસી પડ્યો, ભયાનક ભૂસ્ખલનનું દ્રશ્ય કેમેરામાં કેદ
ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના પાતાળ ગંગા વિસ્તારમાં મોટા ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. આ ભૂસ્ખલનની ઘટના પાતાળ ગંગામાં બદ્રીનાથ નેશનલ હાઈવે પર ટનલની ઉપર બની હતી. ભૂસ્ખલનનો વીડિયો ચોંકાવનારો છે. વીડિયોમાં પહાડનો મોટો ભાગ તૂટીને નીચે આવી રહ્યો છે. રોડનો મોટો ભાગ તેની ઝપેટમાં આવી ગયો હતો. ભૂસ્ખલન બાદ રસ્તાના મોટા ભાગ પર માત્ર ધૂળના વાદળો જ દેખાતા હતા. સદનસીબે કોઈ જાનહાની થઇ નથી.
જોશીમઠ બદ્રીનાથ હાઈવે બંધ કરવો પડ્યો. અગાઉ પણ ચોમાસા દરમિયાન ભૂસ્ખલનની ઘણી ઘટનાઓ નોંધાઈ છે. ચોમાસા દરમિયાન ઘણા પહાડોમાં તિરાડ જોવા મળે છે. ઉત્તરાખંડમાં મેઘરાજાનું પ્રચંડ સ્વરૂપ દેખાઈ રહ્યું છે અને વરસાદ પડી રહ્યો છે. નદીઓ ઉભરાઈ રહી છે અને છેલ્લા ઘણા દિવસોથી, ભૂસ્ખલન અને કાટમાળને કારણે રાજ્યભરમાં સેંકડો રસ્તાઓ બંધ થઈ ગયા છે. ભારે વરસાદના કારણે મુશ્કેલીઓ વધી શકે છે.
પહાડી વિસ્તારો ઉપરાંત મેદાની વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. કુમાઉથી ગઢવાલ સુધી દરેક જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના એલર્ટને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે, કારણ કે આ પહેલા જે પ્રકારનો ચોમાસાનો વરસાદ વરસી રહ્યો છે તે ઉત્તરાખંડ માટે કોઈપણ રીતે સારો રહ્યો નથી. આ જ કારણ છે કે રાજ્ય સરકારથી લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સુધી તમામ લોકો એલર્ટ મોડ પર છે.
આજે 7 રાજ્યમાં વરસાદનું રેડ એલર્ટ
હવામાન વિભાગે આજે 3 રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. યુપી, બિહાર, આસામ, મેઘાલય અને ગોવામાં ઓરેન્જ એલર્ટ છે. આ રાજ્યોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડ, ઓડિશા, કર્ણાટક અને તેલંગાણામાં યલો એલર્ટ છે. આ રાજ્યોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ અથવા ઝરમર ઝરમર વરસાદ પડી શકે છે.