તમિલનાડુમાં મદુરાઈ રેલવે જંક્શન પર ટ્રેનમાં ભીષણ આગ ફાટી નીકળતાં 9નાં મોત
તમિલનાડુના મદુરાઈ રેલ્વે સ્ટેશન પર શનિવારે એક પેસેન્જર ટ્રેનમાં આગ ફાટી નીકળી હતી, જેના પરિણામે ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા હતા અને 20 અન્ય ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. અહેવાલો અનુસાર, આ ઘટના લખનૌ-રામેશ્વરમ એક્સપ્રેસમાં બની હતી.
આઈએએનએસના અહેવાલ મુજબ, મૃતકોમાંથી છ ઉત્તર પ્રદેશના હતા અને આગ લાગી હતી તે કોચમાં 55 મુસાફરો હતા. દક્ષિણ રેલ્વેના નિવેદન મુજબ, ખાનગી પાર્ટીના કોચમાં બેઠેલા મુસાફરોએ “ગેસ સિલિન્ડર ગેરકાયદેસર રીતે દાણચોરી કરીને લઈ જતાં હોવાથી ટ્રેનમાં આગ લાગી હતી. મદુરાઈ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
મદુરાઈ જિલ્લા કલેક્ટર એમ.એસ. સંગીતાએ જણાવ્યું હતું કે, “આજે સવારે 5:30 વાગ્યાની આસપાસ, અહીં મદુરાઈ રેલ્વે સ્ટેશન પર રોકાયેલા એક કોચમાં આગ લાગી હતી. તેમાં ઉત્તર પ્રદેશના યાત્રાળુઓ હતા. જ્યારે તેઓ કોફી બનાવવા માટે ગેસનો ચૂલો સળગાવતા હતા. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો. અત્યાર સુધીમાં અમે નવ મૃતદેહોને બહાર કાઢ્યા છે.”આ અંગે વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.