યુપીમાં બસ અને ટેન્કર વચ્ચે ટક્કર થતાં 8 લોકોના મોત, અનેક ઘાયલ
ઉત્તર પ્રદેશના કન્નૌજમાં શનિવારે એક માર્ગ દુર્ઘટનામાં આઠ લોકોના મોત નીપજ્યા હતા. આ દુર્ઘટના આગ્રા-લખનૌ એક્સપ્રેસવે પર ઔરૈયા બોર્ડર નજીક થઈ. એક સ્લીપર બસ અને પાણીના ટેન્કરમાં ટક્કરના કારણે થયેલી દુર્ઘટનામાં 19 લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે સૈફઈ મેડીકલ કોલેજ અને તિર્વા મેડીકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. બસમાં કુલ 40 લોકો સવાર હતા.
પોલીસે જણાવ્યું કે મામલામાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટેન્કર સાથે ટક્કર બાદ બસ સંપૂર્ણ રીતે પલટાઈ ગઈ હતી. પોલીસ અને સ્થાનિક લોકો ત્યાં દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મદદ માટે દોડ્યા હતા. પોલીસે કહ્યું હતું કે ડબલ ડેકર બસે પાણીના ટેન્કરને ટક્કર મારી દીધી હતી. છેલ્લા બે દિવસમાં યુપીમાં અકસ્માતોમાં ઘણા લોકો હોમાઈ ગયા છે.