2000 રૂપિયાની 9760 કરોડ રૂપિયાની નોટ ગઈ ક્યાં ?
-અત્યાર સુધીમાં 97.26 ટકા નોટ પરત આવી : કોઈ એક્સચેન્જ કરાવવા પણ નથી આવ્યું
નવી દિલ્હી
ચલણમાંથી પાછી ખેંચાયેલી ૨૦૦૦ની નોટ જમા કરાવવા અથવા એક્સચેન્જ કરાવવા માટે રીઝર્વ બેન્કે વારંવાર સૂચનાઓ આપી હોવા છતાં અત્યાર સુધી ૯૭૬૦ કરોડ રૂપિયાની નોટ પાછી આવી નથી.
2000ની નોટ બદલવાની છેલ્લી તારીખ પણ વીતી ગઈ છે ત્યારે રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે 9760 કરોડ રૂપિયાના મૂલ્યની 2000ની નોટો હજુ લોકો પાસે પડેલી છે. આ નોટો કોઈ જમા કરાવવા કે બદલાવવા માટે આવ્યું નથી.
ચાલુ વર્ષે 19 મેના રોજ આરબીઆઈએ 2000 રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચી લીધી હતી અને લોકોને નોટ જમા કરાવવા અથવા બદલાવી લેવા માટે અમુક મહિનાનો સમય આપ્યો હતો. આરબીઆઈના આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં 2000 રૂપિયાની 97.26 ટકા નોટ પરત આવી ગઈ છે જ્યારે બાકીની નોટો હજુ લોકો પાસે છે પરંતુ તેઓ ડિપોઝિટ કરાવવા માટે નથી આવ્યા.
19 મે 2023ના રોજ જે નોટો ચલણમાં હતી તેનું મૂલ્ય 3.56 લાખ કરોડ રૂપિયા હતું જ્યારે હવે 9760 કરોડ રૂપિયાની નોટો હજુ બેન્કિંગ સિસ્ટમની બહાર છે. નોટબંધી પછી આરબીઆઈએ 1000ની નોટોની જગ્યાએ 2000ની નોટ રજુ કરી ત્યારે ઘણા સવાલ થયા હતા. તેનું કારણ એ હતું કે બ્લેક મનીને રોકવા માટે જો નોટબંધી કરવામાં આવી હોય તો 2000ની નોટના કારણે તેનો કોઈ હેતુ રહેતો ન હતો કારણ કે આટલી મોટી રકમની નોટના કારણે બ્લેકમની છુપાવવામાં સરળતા રહેતી હતી. તેથી થોડા સમય પછી આરબીઆઈ દ્વારા 2000 રૂપિયાની નોટ પરત ખેંચી લેવામાં આવશે તેવી ધારણા હતી.
અંતે તે ધારણા પ્રમાણે જ થયું. થોડા સમય માટે બેન્કના એટીએમમાંથી 2000ની નોટ નીકળતી બંધ થઈ. ત્યાર પછી વિધિવત રીતે 2000 રૂપિયાની નોટને ચલણમાંથી દૂર કરવામાં આવી અને લોકોને આ નોટ બેન્કોમાં ડિપોઝિટ કરવા અથવા એક્સચેન્જ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. નોટ બદલાવવા અથવા ડિપોઝિટ કરવા માટેની છેલ્લી તારીખ 7 ઓક્ટોબર 2023 સુધી હતી.
જોકે, આરબીઆઈની 19 ઓફિસ પર નોટને એક્સચેન્જ કરવાની સુવિધા ચાલુ છે. 9 ઓક્ટોબર 2023થી રિઝર્વ બેન્ક 2000 રૂપિયાની નોટને એક્સચેન્જ કરી આપવા ઉપરાંત બેન્ક ખાતામાં ડિપોઝિટ કરવા માટે પણ સ્વીકારે છે. આરબીઆઈએ તેના સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે ભારતની અંદર કોઈ પણ વ્યક્તિ ઈન્ડિયા પોસ્ટ દ્વારા કોઈ પણ પોસ્ટ ઓફિસ પરથી 2000 રૂપિયાની નોટને કોઈ પણ આરબીઆઈની ઓફિસ પર મોકલાવીને પોતાના બેન્ક ખાતામાં જમા કરાવી શકે છે.