હિમાચલમાં ભારે વરસાદને પગલે : સોલનમાં 7ના મોત, શિમલામાં 9ના મોત…
ઉત્તરાખંડમાં ડિફેન્સ કોલેજ ધરાશાયી..
રાજધાની શિમલામાં ભૂસ્ખલન બાદ 20 લોકો કાટમાળ નીચે દટાયા હતા. અત્યાર સુધીમાં 9 મૃતદેહો મળી આવ્યા છે. બીજી બાજુ, મંડીના પરાશરમાં બાગી પુલ ધોવાઈ ગયો છે, જેના કારણે 250 થી વધુ લોકો ફસાયા છે.
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી રાજ્યો ફરી એકવાર ભારે વરસાદની ઝપેટમાં આવી ગયા છે. હિમાચલના સોલનમાં વાદળ ફાટવાના કારણે સાત લોકોના મોત થયા છે. રાજધાની શિમલામાં ભૂસ્ખલન બાદ 20 લોકો કાટમાળ નીચે દટાયા હતા. અત્યાર સુધીમાં 9 મૃતદેહો મળી આવ્યા છે. બીજી બાજુ, મંડીના પરાશરમાં બાગી પુલ ધોવાઈ ગયો છે, જેના કારણે 250 થી વધુ લોકો ફસાયા છે. ઉત્તરાખંડની પણ આવી જ હાલત છે. ઉત્તરાખંડના માલદેવતામાં દેહરાદૂન ડિફેન્સ કોલેજની ઇમારત ધરાશાયી થઈ છે. અહીંના છ જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સોલન જિલ્લાના કંડાઘાટ સબ-ડિવિઝનના જડોન ગામમાં વાદળ ફાટવાને કારણે બે ઘર ધરાશાયી થયા હતા, જેમાંથી સાત લોકોના મોત થયા છે. મૃતકોમાં ચાર મહિલાઓ અને ત્રણ પુરૂષોનો સમાવેશ થાય છે. ત્યાંથી બે લોકોને બચાવી લેવાયા છે. શિમલાના સમરહિલ ખાતે એક શિવ મંદિર ભારે ભૂસ્ખલનની ચપેટમાં આવી ગયુ. સવારે અહીં પૂજા માટે આવેલા 20 જેટલા લોકો મંદિરના કાટમાળ નીચે દટાયા હતા. પોલીસ પ્રશાસન સ્થળ પર છે. કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ કાટમાળ એટલો છે કે હજુ સુધી કોઈ વ્યક્તિ મળી નથી.
મંડીથી કુલ્લુને જોડતો હાઇવે સંપૂર્ણપણે બંધ
મંડીના નાગચલામાં વાદળ ફાટવાને કારણે એક વરસાદી નાળુ ઘણો કાટમાળ વહાવીને તેને હાઈવે પર નીચે લાવ્યું છે. સદનસીબે, નાગચલા વિસ્તારમાં રહેણાંક મકાનો, દુકાનો અને બહુમાળી ઇમારતોને કાટમાળમાંથી બચાવી લેવામાં આવી હતી, પરંતુ મંડીથી કુલ્લુને જોડતો હાઇવે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. જેસીબી મશીન લગાવીને હાઇવે ખુલ્લો કરાવવાના પ્રયાસો હાથ ધરાયા છે.
