વડાપ્રધાન મોદીના પ્રવાસ પહેલા કોણ પહોંચી જશે અમેરિકા ? જુઓ
8 થી 10 સપ્ટેમ્બર સુધી પ્રવાસ : ઓવરસીઝ કોંગીના પ્રમુખ સામ પિત્રોડાએ કરી જાહીરાત:ડલાસ, વોશિંગ્ટનમાં કાર્યક્રમો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં 22 થી 26 તારીખ સુધી અમેરિકાનો પ્રવાસ કરવાના છે પણ એ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે જવાના છે. ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ શનિવારે આ માહિતી આપી હતી. રાહુલ ગાંધી અમેરિકામાં ભારતીય સમુદાયના લોકો, વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો, ઉદ્યોગપતિઓ અને મીડિયાને મળશે. ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ કહ્યું કે રાહુલ ગાંધી 8 સપ્ટેમ્બરે ડલાસ અને 9 અને 10 સપ્ટેમ્બરે વોશિંગ્ટન ડીસીમાં હશે.
પિત્રોડાએ જણાવ્યું હતું કે, ‘જ્યારથી રાહુલ ગાંધી લોકસભામાં વિરોધ પક્ષના નેતા બન્યા છે ત્યારથી મને ભારતીય ડાયસ્પોરા, શિક્ષણવિદો, ઉદ્યોગપતિઓ, નેતાઓ તરફથી ઘણો પ્રતિસાદ મળ્યો છે. ઇન્ટરનેશનલ મીડિયા અને અન્ય ઘણા લોકો સાથે રાહુલની વાતચીત કરાવવા માટે વિનંતીઓનું પૂર આવ્યું છે. વિપક્ષના નેતા બન્યા બાદ રાહુલ ગાંધીની આ પ્રથમ અમેરિકા મુલાકાત હશે.
પિત્રોડાએ કહ્યું કે ડલાસમાં રાહુલ ગાંધી યુનિવર્સિટી ઓફ ટેક્સાસના વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો અને સ્થાનિક લોકો સાથે વાતચીત કરશે. ત્યાં એક મોટો મેળાવડો થશે જ્યાં તે ટેક્નોલોજી નિષ્ણાતો સાથે પણ મુલાકાત કરશે અને ડલાસના નેતાઓ સાથે ડિનર કરશે.
વોશિંગ્ટન ડીસીમાં તેઓ થિંક ટેન્ક, નેશનલ પ્રેસ ક્લબ અને અન્ય લોકો સહિત વિવિધ લોકો સાથે વાર્તાલાપ કરશે. સામ પિત્રોડાએ કહ્યું, ‘અમે ખૂબ જ સફળ મુલાકાતની રાહ જોઈ રહ્યા છીએ અને રાહુલ ગાંધીનું સ્વાગત કરવા માટે આતુર છીએ.’