પત્રકાર વિમલ યાદવના હત્યાકેસમાં ચાર આરોપીની ધરપકડ
બિહારના અરરિયામાં પત્રકાર વિમલ યાદવ હત્યાકાંડ મામલે ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આ હત્યાકાંડને લઈને મૃતકના પિતાની ફરિયાદને આધારે આઠ આરોપીઓની વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી, જેમાંથી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, એમાં બે આરોપી પત્રકાર વિમલની હત્યા કરવામાં સામેલ હતા.
આ હત્યાને મામલે નીતીશ સરકાર ફરી એક વાર વિરોધ પક્ષોના નિશાના પર છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે બિહાર સરકારને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે એવું લાગે છે કે નીતીશબાબુનાં મુંગેરીલાલના સપનાં બિહાર માટે એક દુઃસ્વપ્ન બની ગયાં છે.
ઉપેન્દ્ર કુશવાહાએ પણ મુખ્ય મંત્રી નીતીશકુમાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિપક્ષના આરોપો પર બિહારના ભવન નિર્માણ મંત્રી અશોક ચૌધરીએ કહ્યું હતું કે મુખ્ય મંત્રીએ ખુદ આને દુખદ ઘટના ગણાવી છે. હવે તેમની USP છે કે કેવી રીતે સામાન્ય જનતા સુરક્ષિત રહે. કઈ પરિસ્થિતિમાં બિહાર નીતીશકુમારને મળ્યું હતું અને આજે બિહારના હાલ શા છે?
શુક્રવારે સવારે 4.30 કલાકે બદમાશોએ પત્રકાર વિમલના ઘરનાં દ્વાર ખટખટાવ્યાં હતાં. તે જેવો બહાર નીકળ્યો કે તરત જ બદમાશો તેના પર ગોળીઓ ધરબી દીધી હતી. વિમલની પત્ની ગોળીઓના અવાજથી બહાર આવી અને તેણે પતિને લોહીથી લથબથ હાલતમાં જમીન પર પડેલો જોયો હતો. લોકોએ તત્કાળ રાણીગંજ પોલીસ સ્ઠેશનને સૂચના આપી હતી અને પોલીસ, વિમલને હોસ્પિટલ લઈ ગઈ હતી, પરંતુ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.