દીલ્હીમાં ઝેરી હવામાન વધુ કાતિલ બન્યું, એકયુઆઈ 286
લોકોને સ્વાસ લેવામાં તકલીફ, દિવાળી પહેલાજ પ્રદૂષણ ખતરનાક લેવલ પર
વોઇસ ઓફ ડે નવી દીલ્હી
રાજધાની દીલ્હીમાં દિવાળી પહેલા જ હવાની ગુણવત્તાનું સ્તર દિવસેને દિવસે સતત ખરાબ થઈ રહ્યું છે. ઝેરી હવામાન બીમાર લોકો માટે ભારે મુસીબત સમાન બન્યું છે. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ચારે બાજુ ઝેરી ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ છે. વાયુ પ્રદૂષણનું સ્તર 286 પર પહોંચી ગયું છે.
આજે સવારે પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર 286 પર પહોંચી ગયું છે. આ સાથે નોઈડા માં AQI 255 પણ નોંધવામાં આવ્યો હતો. હાલમાં હરિયાણાના ગુરુગ્રામ માં ઓછું પ્રદૂષણ છે. અહીં AQI લેવલ 200 સુધી પહોંચી ગયું છે, પરંતુ જેમ જેમ દિવાળી નજીક આવશે તેમ દિલ્હીમાં હવાની ગુણવત્તા વધુ બગડશે.
એવું નથી કે દિલ્હી સરકાર પ્રદૂષણ ઘટાડવાના પ્રયાસો નથી કરી રહી, પરંતુ તેના પ્રયાસો અપૂરતા જણાય છે. સરકારે ઘણી જગ્યાએ ‘રેડ લાઇટ ઓન એન્જિન બંધ’ પ્રોગ્રામ પણ શરૂ કર્યો છે. આ સિવાય સરકાર અને સત્તાવાળાઓએ પાણીના છંટકાવ માટે વિવિધ સ્થળોએ સ્મોગ ગન પણ લગાવી છે. આ સાથે અનેક મોબાઈલ સ્મોગ ગન પણ કામ કરી રહી છે, પરંતુ પ્રદૂષણ ઘટાડવાના કોઈ સંકેત દેખાતા નથી.
દિલ્હીમાં હવાની ગુણવત્તાનું સ્તર સતત ખરાબ થઈ રહ્યું છે ત્યારે ઘણી એજન્સીઓએ તેનાથી સંબંધિત ડેટા આપવાનું બંધ કરી દીધું છે. દિલ્હી સરકાર અને રાજ્યના અધિકારીઓ વચ્ચે ચાલી રહેલી લડાઈને કારણે IIT-કાનપુર દ્વારા રિયલ-ટાઇમ સોર્સ એપોર્શનમેન્ટ સ્ટડી 18 ઓક્ટોબરથી રોકી દેવામાં આવી છે. બીજી તરફ કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળની બે અન્ય એજન્સીઓએ પણ પ્રદૂષણના સ્ત્રોતોની માહિતી શેર કરવાનું બંધ કરી દીધું છે.