કાશ્મીરી હિન્દુ નરસંહાર કેસ ફરી ખોલવાનો નિર્ણય
પ્રથમ કેસ આતંકવાદીને મોતની સજા આપનાર નિવૃત્ત ન્યાયાધીશ ની હત્યાને લગતો છે, નગરસરથી તપાસ થશે
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
ભારત સરકારે એક ઐતિહાસિક પગલું ભરીને 34 વર્ષ બાદ 1989-90ના કાશ્મીરી હિંદુ નરસંહારના કેસો ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે જેમા પહેલો કેસ નિવૃત્ત ન્યાયાધીશ નીલકંઠ ગંજુની હત્યા સાથે સંબંધિત છે, જેમની 4 નવેમ્બર, 1989ના રોજ શ્રીનગરમાં યાસીન મલિકના જેકેએલએફ આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. કાશ્મીરની રાજ્ય તપાસ એજન્સી એ હત્યા સાથે સંબંધિત વિગતો આપવા માટે આગળ આવવાની અપીલ કરી છે.
ન્યાયાધીશ ગંજુએ જ જેકેએલએફ આતંકવાદી મકબૂલ બટ્ટને મોતની સજા સંભળાવી હતી. આ સજા બ્રિટનમાં ભારતીય રાજદ્વારી રવિન્દ્ર મ્હાત્રેની હત્યાના દોષી ઠેરવ્યા બાદ આપવામાં આવી હતી. ત્રણ દાયકા પહેલા નિવૃત્ત ન્યાયાધીશ નીલકંઠ ગંજુની હત્યા પાછળના મોટા ગુનાહિત કાવતરાનો પર્દાફાશ કરવા માટે, જમ્મુ અને કાશ્મીરની રાજ્ય તપાસ એજન્સીએ એક બુલેટીન પ્રસિદ્ધ કરીને હત્યાના તથ્યો અથવા સંજોગોથી પરિચિત તમામ લોકોને આગળ આવી અને તેની જાણકારી શેર કરવાની અપીલ કરી છે.
જિલ્લા અને સેશન કોર્ટના ન્યાયાધીશ તરીકે ગંજુએ ઓગસ્ટ 1968માં જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટના સ્થાપક અને નેતા મકબૂલ બટ્ટને 1966માં પોલીસ ઈન્સ્પેક્ટર અમરચંદની હત્યા માટે ફાંસી ની સજા ફટકારી હતી. નિવૃત્તિ બાદ 67 વર્ષીય ગંજુની 4 નવેમ્બર, 1989ના રોજ શ્રીનગરમાં આતંકવાદીઓએ હત્યા કરી હતી.
ન્યાયાધીશ ગંજુ દ્વારા 1968માં આપવામાં આવેલી બટ્ટની સજાને સુપ્રીમ કોર્ટે 1982માં માન્ય રાખી હતી અને બટ્ટને 1984માં તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી હતી. એક બુલેટીનમાં SIAએ ગંજુ હત્યા કેસના તથ્યો અથવા સંજોગોથી પરિચિત તમામ વ્યક્તિઓને આગળ આવવા અને ઘટનાઓની વિગતો શેર કરવા અપીલ કરી છે જે તાત્કાલિક કેસની તપાસ પર પ્રત્યક્ષ કે આડકતરી રીતે અસર કરી શકે છે. SIAએ એમ પણ કહ્યું છે કે આવા તમામ લોકોની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.