પતિ – સાસરીયા દ્વારા મહિલાની નગ્ન પરેડ
માનવતાને કલંકિત કરતી બે અધમ ઘટનાઓ
રાજસ્થાનમાં મણીપુરનું પુનરાવર્તન
રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના એક ગામડામાં 21 વર્ષની આદિવાસી પરિણીતાને તેના જ પતિ અને સાસરિયાઓ દ્વારા ઢોર માર્યા બાદ નગ્ન પરેડ કરાવી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
બનાવ અંગે પોલીસના જણાવ્યા અનુસાર આ મહિલાને એક અન્ય પુરુષ સાથે સંબંધ હતો અને તે બીજા ગામડામાં એ પુરુષ સાથે જ રહેતી હતી. બાદમાં તેના પતિ અને અન્ય શખ્સો તેનું અપહરણ કરી પોતાના ઘરે લઈ આવ્યા હતા અને ત્યાં શેરીમાં બેફામ માર્યા માર્યા બાદ પતિએ તેનું વસ્ત્રહરણ કર્યું હતું. નિર્વસ્ત્ર હાલતમાં એ મહિલાનું સરઘસ કાઢવામાં આવ્યું હોય એવો વિડિયો વાયરલ થયા બાદ પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. આ બનાવ બાદ રાજકારણ ગરમાયું હતું. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડાએ રાજસ્થાનમાં મહિલાઓને સલામતી પુરી પાડવામાં ગેહલોત સરકાર નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે ઘટનાની નિંદા કરી આરોપીઓ સામે કડક પગલાં લેવાની ખાતરી આપી હતી.