પંજાબમાં પાકથી આવેલો મોતનો સામાન પકડાયો
2 લોકોની ધરપકડ ; 8 આધુનિક પિસ્તોલ ઝબ્બે; હથિયાર કોને આપવાના હતા તે અંગે તપાસ ચાલુ; લોરેન્સ ગેંગ પર શંકા
પાકિસ્તાન દ્વારા ભારત વિરોધી પ્રવૃત્તિ સતત ચાલે છે અને આતંકીઓની ઘૂસણખોરી બાદ હવે મઓટા પાયે વિસ્ફોટક સામગ્રી ભારતમાં મોકલીને હિંસા ફેલાવા માટે પણ નાપાક હરકતો થઈ રહી છે. પંજાબ પોલીસે શનિવારે પાકિસ્તાનમાંથી દાણચોરી કરાયેલી આઠ અત્યાધુનિક પિસ્તોલ કબજે કર્યા બાદ બે લોકોની ધરપકડ કરી હતી. એમની પાસેથી વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી છે. લોરેન્સ બિશનોઈ ગેંગ માટે સામાન આવ્યો હોવાની પણ પોલીસને શંકા છે.
એક ટોચના અધિકારીએ શનિવારે આ માહિતી આપી હતી. પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે કહ્યું કે અમૃતસરના નૂરપુર પડધારીમાંથી પકડાયા હતા. એમની સખત પૂછતાછ થઈ રહી છે અને કોણે મોતનો સામાન મોકલ્યો છે તે બારામાં તપાસ થઈ રહી છે.
ગૌરવ યાદવે એક પોસ્ટમાં કહ્યું હતું કે તેઓ હથિયાર સોંપવા માટે કોઈની રાહ જોઈ રહ્યા હતા. કોણે આ હથિયાર આપવાના હતા તે અંગે પૂછપરછ થઈ રહી છે અને વધુ કેટલાક લોકોની ધરપકડ પણ થઈ શકે છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ અંગે અમૃતસરમાં આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું કે આઠ અત્યાધુનિક હથિયારો મળી આવ્યા છે, જેમાં ચાર ગ્લોક પિસ્તોલ (ઓસ્ટ્રિયામાં બનેલી), બે તુર્કી બનાવટની 9 એમએમ પિસ્તોલ અને બે એક્સ-શોટ ઝિગાના પિસ્તોલનો સમાવેશ થાય છે.