ઈરાન, ઇઝરાયલના યુધ્ધને લીધે ક્રૂડનો ભાવ ભડકીને ક્યાં પહોંચ્યો ? જુઓ
યુદ્ધ ભલે ઈઝરાયલ અને ઈરાનની વચ્ચે થઈ રહ્યું છે, પરંતુ તેની અસર સમગ્ર દુનિયા પર થઈ રહી છે. ભારત સુધી પણ આ આગ પહોંચી રહી છે. યુદ્ધની અસર મોંઘવારી પર પડતી દેખાઈ રહી છે. મિડલ ઈસ્ટનો તણાવ હવે મોંઘવારી તરીકે આમ આદમી પર જોવા મળી રહ્યો છે. આ યુદ્ધના કારણે કાચા તેલના ભાવ વધવા લાગ્યા છે. ઓક્ટોબરમાં અત્યાર સુધી કાચા તેલની કિંમતમાં 12 ટકાનો ઉછાળો આવી ગયો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ઈઝરાયલ અને ઈરાનની વચ્ચે વધતા તણાવના કારણે કાચા તેલની કિંમતોમાં ઓક્ટોબરમાં લગભગ 12 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જો આવી જ સ્થિતિ રહી તો આગામી સમયમાં ભારત પર તેલ આયાતનું દબાણ વધવાની આશંકા છે. આ વર્ષે 30 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેંટ ક્રૂડની કિંમત 71.81 ડોલર પ્રતિ બેરલ હતી જે 7 ઓક્ટોબરે વધીને 80 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગઈ.
હમાસ અને હિઝબુલ્લાહ વિરુદ્ધ ઈઝરાયલની કાર્યવાહીમાં હવે ઈરાનના ઈઝરાયલ વિરુદ્ધ ઊભા થવાથી કાચા તેલની કિંમતોમાં તેજી આવી રહી છે. ઈરાન સહિત પશ્ચિમ એશિયાના દેશ પેટ્રોલિયમના મોટા નિકાસકાર છે. આ ક્ષેત્રમાં લડત વધવાનો અર્થ છે પુરવઠા પક્ષ પર નકારાત્મક પ્રભાવ. તેનાથી કાચા તેલના ભાવ વધી રહ્યાં છે.
કાચા તેલના ભાવ વધવાની ભારત પર ગાઢ અસર પડશે કેમ કે દેશના આયાતમાં સૌથી મોટો ભાગ પેટ્રોલિયમ અને કાચા તેલનો છે. આપણને યુધ્ધની વધુ વિપરીત અસર થવાનો ભય પણ છે.