કેનેડા અંગે તેના વિદેશ મંત્રીએ શું ચોંકાવનારી વાત કરી ? વાંચો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પાડોશી કેનેડા સાથે ટેન્શન વધારી દીધું છે . આનાથી પરેશાન થઈને, જસ્ટિન ટ્રુડો દુનિયા પાસેથી મદદ માંગી રહ્યા છે ત્યારે મ્યુનિક સુરક્ષા પરિષદમાં કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ યુરોપિયન દેશો સામે ટ્રમ્પના ટેરિફના ભય પર પ્રકાશ પાડ્યો હતો. એમણે એવો ભય વ્યક્ત કર્યો હતો કે અમેરિકા કેનેડાને નક્શામાંથી ભૂંસી નાંખશે અને બીજો વારો યુરોપનો હશે. ટેરિફ અને જી-૭નો ઉલ્લેખ કરીને એમણે ભારે ચિંતા પ્રગટ કરી હતી.

તેમણે કહ્યું કે જો અમેરિકા કેનેડા પર ટેરિફ લાદી શકે છે, તો તેના પછી યુરોપ હશે. તેમના ચહેરા પર ટ્રમ્પ વહીવટ પ્રત્યે નિરાશા સ્પષ્ટ દેખાતી હતી. આ સાથે તેમણે રશિયાના જી-૭માં પાછા ફરવાના પ્રસ્તાવનો પણ વિરોધ કર્યો હતો.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તામાં આવ્યા પછી કેનેડા સામે 25 ટકા ટેરિફ લાદ્યો હતો. આ ઉપરાંત, થોડા દિવસો પહેલા ટ્રમ્પે રશિયાને જી-૭ માં સમાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. કેનેડાના વિદેશ મંત્રીએ આ અંગે કહ્યું કે આવું ક્યારેય ન થઈ શકે. રશિયા અગાઉ જી-૭ નું સભ્ય હતું, જે પછી જી-૮ તરીકે ઓળખાતું હતું. પરંતુ 2014 માં ઓબામા વહીવટીતંત્ર દરમિયાન રશિયાએ ક્રિમીઆ પર કબજો જમાવ્યો ત્યારે તેને જૂથમાંથી હાંકી કાઢવામાં આવ્યું હતું.
ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે, મને તેમને (રશિયા) પાછા લાવવાનું ગમશે. મને લાગે છે કે તેને કાઢી મૂકવા એ એક મોટી ભૂલ હતી. ટ્રમ્પે કહ્યું કે રશિયાને પસંદ કરવાનો કે ન ગમવાનો પ્રશ્ન નથી. આ વર્ષે કેનેડા જી-૭ ની અધ્યક્ષતા કરી રહ્યું છે. કેનેડાના વિદેશ મંત્રીએ કહ્યું કે કેનેડા રશિયાને જી-૭ માં ફરીથી સામેલ કરવાનો સખત વિરોધ કરે છે.
