અમેરિકાના વહીવટીતંત્રે વળી પાછી કઈ બાબતે મારી ગુલાંટ ? જુઓ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ દિવસોમાં પોતાની નીતિઓને લઈને ચર્ચામાં છે. પહેલા ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ તેમની કાર્યવાહી, પછી ચીન, કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદીને હોબાળો અને હવે ગાઝા પર તેમનું નિવેદન વિશ્વભરમાં હેડલાઈન્સ બનાવી રહ્યું છે. જો કે ગાઝા પર કબજા અંગેના નિવેદન બાદ વધુ એક ગુલાંટ મારીને ટ્રમ્પ વહીવટીતંત્રે એવી ચોખવટ કરી છે કે ગાઝામાં અમેરિકાની સેના હમેશા રહેશે નહીં.
વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, ‘અમેરિકી રાષ્ટ્રપતિએ પેલેસ્ટિનિયન એન્ક્લેવ પર યુએસના કબ્જા માટેના તેમના પ્રસ્તાવના ભાગ રૂપે ગાઝાપટ્ટીમાં દેશની સૈન્ય તૈનાત કરવા માટે પ્રતિબદ્ધ નથી.’ વ્હાઇટ હાઉસની આ ટિપ્પણી રિપબ્લિકન નેતા ટ્રમ્પની આશ્ચર્યજનક જાહેરાતના એક દિવસ બાદ આવી છે, આ મામલે ટ્રમ્પે કહ્યું હતું કે, ‘અમેરિકા ગાઝા પર કબજો જમાવીને તેના રહેવાસીઓને કાયમી ધોરણે વસાવી લેશે.’ તેમના નિવેદનની વૈશ્વિક નિંદા થઈ હતી.
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે પત્રકારોને જણાવ્યું હતું કે, ‘રાષ્ટ્રપતિ ટ્રમ્પ માને છે કે આ ક્ષેત્રમાં સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે યુનાઇટેડ સ્ટેટ્સે ગાઝાના પુનર્નિર્માણમાં સામેલ થવું જોઈએ. આનો અર્થ એ નથી કે ગાઝામાં જમીન પર સૈનિકોની તૈનાતી થાય.
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ બુધવારે કહ્યું હતું કે, ‘ટ્રમ્પે અમેરિકાને ગાઝાના પુનઃનિર્માણની જવાબદારી લેવાની ઓફર કરી છે. તેમણે ગાઝાને કાટમાળ અને વિનાશથી મુક્ત કરવા માટેનો એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો ત્યાં કાયમી સેના રાખવાનો કોઈ પ્રસ્તાવ નથી.