પાકિસ્તાનમાં શું થઈ અંધાધૂંધી ? શુ થયું ? કેટલાની અટકાયત થઈ ? જુઓ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને બંદીવાન કરાયાના વિરોધમાં રાજધાની ઇસ્લામાબાદમાં ૧ લાખથી વધુ લોકોની જબરજસ્ત રેલી નીકળી હતી. આંચકાજનક વાત તો તે છે કે આ રેલીનું નેતૃત્વ ખૈબર પુખ્તુનવાના મુખ્યમંત્રીએ જ લીધું હતું.સરકારને પહેલેથી જ માહિતી હતી કે એક રેલી નીકળવાની છે, તેથી પહેલેથી જ જડબેસલાક વ્યવસ્થા ગોઠવી દીધી હતી. પોલીસ સાથે ઘર્ષણમાં અનેક ઘાયલ થયા હતા અને ઈમરાનની પાર્ટીના 4 હજાર કાર્યકરોની અટકાયત કરી લેવાઈ હતી. અહીં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઇ હતી.
પાકિસ્તાનમાં જાહેર રજાનો દિવસ શુક્રવારનો છે. રવિવારે દુકાનો, સંસ્થાઓ કાર્યરત રહે છે. તેથી પાકિસ્તાનની સમવાયતંત્રી સરકારે, સમગ્ર શહેરમાં કડક તાળાબંધી જાહેર કરી દુકાનો અને સંસ્થાઓને બંધ રાખવા હુકમ કર્યો હતો. પહેલાં તો ઈન્ટરનેટ આંશિક રીતે બંધ કરાયાં હતાં પરંતુ પછીથી સંપૂર્ણ બંધ કરી દીધાં. સમગ્ર શહેરમાં ૧૪૪મી કલમ પણ લાગુ પાડવામાં આવી હતી.
આમ છતાં ઇમરાનખાનની પાર્ટી પાકિસ્તાન-તહેરિક-એ.ઈન્સાફ (પી.ટી.આઈ.) દ્વારા પાકિસ્તાન-બંધનાં એલાનને લીધે પીટીઆઈના હજ્જારો કાર્યકરો માર્ગ ઉપર ઉતરી પડયા હતા, અને તેઓની સાથે જનસામાન્ય પણ જોડાયાં હતાં. પરિણામે સરઘસમાં સંખ્યા ૧ લાખ જેટલી પહોંચી ગઈ હતી. તેણે પોલીસે ઠેર ઠેર મુકેલા રોડ-બ્લોક્સ તોડી આગળ વધતાં પોલીસ અને રેલીના સભ્યો વચ્ચે ઘમાસણ યુદ્ધ શરૂ થઈ ગયું હતું.
પોલીસે ટીયરગેસ અને લાઠીચાર્જનો આશ્રય લીધો. પરંતુ રેલીના નેતાઓએ આગે બઢો, ગુલામી કી જંજીરે તોડ દોના જબરજસ્ત નારા સાથે પોલીસો ઉપર જ વળતા હુમલા શરૂ કરી દીધા હતા.
આ રેલીમાં ઈમરાનખાનનાં પત્ની બુશરા-બીબી જોડાયાં ન હતા. તેઓએ કહ્યું કે તેવો ખૈબર-પખ્તુનવાના મુખ્યમંત્રી અલિ અમીન ગંડપુરનાં (ઇસ્લામાબાદ સ્થિત) નિવાસસ્થાને રહી રેલી જોશે.