ભારત લગાવે છે એટલો જ ટેક્સ અમે પણ લગાવીશું : ટ્રમ્પે ધમકી દોહરાવી
અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા સંભાળે તે પછી અમેરિકા સાથેના વ્યાપાર વિનિમયમાં ભારત માટે પ્રતિકૂળતા સર્જાવાના સ્પષ્ટ નિર્દેશો મળી રહ્યા છે.
બુધવારે ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક વખત ભારત સામે ટ્રેડ વોર જાહેર કરી દીધું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પે આ અગાઉ અમેરિકી વસ્તુઓ ઉપર ભારત દ્વારા વસૂલવામાં આવતા ઊંચા ટેક્સ અંગે ટિપ્પણી કરી હતી અને પોતે સત્તા ઉપર આવે તે પછી અમેરિકા પણ ભારતની વસ્તુઓ પર એટલો જ ટેક્સ વસૂલશે એવી ચીમકી આપી હતી.
એ ચીમકી તેમણે ફરીવાર વખત ઉચ્ચારી છે. ચીન સાથેની સંભવિત વ્યાપાર સમજૂતી અંગે પત્રકારોએ કરેલા એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે અમેરિકાની ચીજ વસ્તુઓ પર ભારત ખૂબ જાજો ટેક્સ વસુલે છે અને હવે આપણે પણ ભારતની વસ્તુઓ પર એટલો જ ટેક્સ લગાવીશું.
એકની એક વાત અને વાક્ય વારંવાર બોલવાની લાક્ષણિક આદત મુજબ તેમણે કહ્યું,” રેસીપ્રોકલ,
જો તેઓ આપણી ઉપર ટેક્સ લગાવે. તો આપણે પણ તેમના ઉપર એટલો જ ટેક્સ લગાવીશું.” બે-ત્રણ વખત એ વાક્ય બોલ્યા અલગ અલગ અંદાજમાં બોલ્યા બાદ તેમણે કહ્યું કે તેઓ આપણી લગભગ દરેક ચીજ વસ્તુઓ પર ટેક્સ લગાવે છે અને આપણે એમની ઉપર ટેક્સ લગાવતા નથી.
ટ્રમ્પે ઉમેર્યું કે ભારત અને બ્રાઝિલ ખૂબ ઊંચો ટેક્સ લગાવે છે. ભારત આપણા ઉપર સો ટકા ટેક્સ લગાવે છે. ભારત આપણને સાયકલ મોકલે છે, આપણે પણ તેમને સાયકલ મોકલીએ છીએ. તેઓ આપણી સાયકલ ઉપર 100 – 200 ટકા ટેક્સ લગાવે છે.
અંતે તેમણે કહ્યું કે ઠીક છે, ભારત અને બ્રાઝિલ ખૂબ ટેક્સ વસુલે છે અને હવે આપણે પણ એટલો જ ટેક્સ વસૂલવા જઈ રહ્યા છીએ.