યમનમાં હુથી લડાકુઓના ગઢ ઉપર અમેરિકા ત્રાટક્યું: 31 લોકોના મોત
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ દરમિયાન હમાસની તરફેણમાં ઇઝરાયેલ ઉપર તેમ જ રાતા સમુદ્રમાં વ્યાપારી જહાજો ઉપર હુમલા કરનાર, ઈરાન દ્વારા સમર્થિત હુથી લડાકુઓ ઉપર અમેરિકા મોત બનીને તુટી પડ્યું છે.ટ્રમ્પે શાસન સંભાળ્યા બાદ અમેરિકાએ પ્રથમ વખત શનિવારે યમનમાં હુથી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો.એ હુમલામાં યમનની રાજધાની સાનામાં 13 નાગરિકો અને હૂથીઓનો મુખ્ય ગઢ ગણાતાં ઉતરીય પ્રાંત સાદામાં 18 સહિત કુલ 31 લોકોના મોત થયા હતા. મૃતકોમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ છે. આ હુમલાને કારણે મધ્ય પૂર્વના નવા ઘર્ષણના એંધાણ મળી રહ્યા છે.
ટ્રમ્પે હુથીઓને રાતા સમુદ્રમાં તેમની લીલા સંકેલી લેવા અને નહિતર અતિશય ઘાતક બળનો ઉપયોગ કરવાની ચેતવણી આપી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે લખ્યું, “બધા હૂથી આતંકવાદીઓ, તમારો સમય પૂરો થઈ ગયો છે, અને તમારા હુમલા આજથી બંધ થવા જોઈએ. જો નહીં, તો તમે પહેલાં ક્યારેય ન જોયું હોય તેવી નરકની આગ તમારા પર વરસશે!” નોંધનીય છે કે ટ્રમ્પ પ્રશાસને આ મહિને હૂથી જૂથને વિદેશી આતંકવાદી સંગઠન તરીકે ફરીથી વર્ગીકૃત કર્યું હતું.
હુથી લાડકુઓએ ગાઝામાં પેલેસ્ટેનિયન નાગરિકોના સમર્થનમાં ઓક્ટોબર 2023થી યમનના દરિયાકાંઠે જહાજો પર હુમલા શરૂ કર્યા હતા.એ જૂથ દ્વારા 2023 થી અત્યાર સુધીમાં અમેરિકી યુદ્ધ જહાજો પર 174 વખત અને વાણિજ્યિક જહાજો પર 145 વખત
હુમલા કરવામાં આવ્યા છે.
એ દરમિયાન શુક્રવારે વધુ એક અમેરિકી જહાજ પર હુમલો થયા બાદ રાતા સમુદ્ર સ્થિત એર ક્રાફ્ટ કેરિયર હેરી એસ.ટ્રુમેનમાંથી ઉપાડેલા લડાકુ વિમાનોએ હુમલા કર્યા હતા. વિસ્ફોટ એટલા ભયંકર હતા કે લોકોએ ભૂકંપ જેવો અનુભવ કર્યો હતો.