અમેરિકી પ્રમુખ બાયડન સપ્ટેમ્બરમાં ભારતની યાત્રા કરશે
G20 સમિટમાં ભાગ લેવા માટે આવશે અને વડાપ્રધાન મોદી સાથે મહત્વની બેઠક થશે
ભારત અને અમેરિકાના સંબંધો દિનપ્રતિદિન વધુ મજબૂત બની રહ્યા છે અને બંને દેશના શાસકો વચ્ચે ઘણા મુદા પર સંવાદ અને એકતા દેખાઈ રહ્યા છે. હવે બંને નેતાઓ એક ડગલું આગળ વધી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન G-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ભારત આવશે. તે 7 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર એટલે કે ચાર દિવસ માટે નવી દિલ્હીમાં યોજાનાર સમિટમાં ભાગ લેશે.
બાયડેન શિખર સંમેલનમાં સ્વચ્છ ઊર્જા પરિવર્તન, ક્લાઈમેટ ચેન્જ, યુક્રેનમાં યુદ્ધમાં પ્રભાવ અને વર્લ્ડ બેન્ક સહિત બહુપક્ષીય વિકાસ બેન્કોની ક્ષમતાને પ્રોત્સાહન આપવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે.
રાષ્ટ્રપતિ બાયડેન અને G-20ના નેતાઓ વૈશ્વિક મુદ્દાઓનો નિકાલ લાવવા માટે સંયુક્ત પ્રયાસો અંગે પણ ચર્ચા કરશે. બાયડેન ભારતની મુલાકાતે આવનારા 8મા અમેરિકી રાષ્ટ્રપતિ બનશે. વ્હાઈટ હાઉસના અહેવાલ અનુસાર બાયડેન આસિયાન સમિટમાં નહીં જાય અને તેઓ ભારત આવશે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલીવાર જો બાયડેન ભારતની મુલાકાતે આવવાના છે.
માહિતી અનુસાર વડાપ્રધાન મોદી અને બાયડેન વચ્ચે પણ મુલાકાત થશે. જેમાં અમેરિકા અને ભારત વચ્ચે ડિફેન્સ ડીલ, ટ્રેડ અને સાયબર સુરક્ષા સંબંધિત કરારો પર સમજૂતી થઈ શકે છે. અમેરિકા જેટ એન્જિનથી લઈને તેના ખતરનાક હથિયારોની ટેક્નોલોજી પણ ભારતને ટ્રાન્સફર કરવાનો છે.
