અબ કી બાર ટ્રમ્પ સરકાર : ભવ્ય બહુમતી મેળવી ટ્રમ્પ બન્યા અમેરિકાના 47 માં પ્રમુખ
ચાર વર્ષ બાદ ફરી એક વખત અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીનું શાસન
અમેરિકાના પ્રથમ મહિલા પ્રમુખ બનવાનું કમલા હેરીસનું સ્વપ્ન ચકનાચૂર
સમગ્ર વિશ્વમાં ભારે ઉત્તેજના ફેલાવનાર અમેરિકાની પ્રમુખ પદની ચૂંટણીમાં પ્રતીતિજનક વિજય મેળવી રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. બુધવારે ભારતીય સમય મુજબ રાત્રે 10:00 વાગ્યે કેટલાક રાજ્યોમાં મતગણતરી ચાલુ હતી ત્યારે પણ 277 ઇલેક્ટોરલ કોલેજ વોટ મેળવી ટ્રમ્પે વિજય સુનિશ્ચિત કરી લીધો હતો. કમલા હેરીસને 224 ઇલેક્ટોરલ કોલેજ વોટ મળ્યા હતા. ચૂંટણીનો સત્તાવાર પરિણામ 20 મી નવેમ્બરે જાહેર થશે.
અમેરિકાના 47 માં પ્રમુખ માટેની ચૂંટણી અનોખી બની રહી હતી. બે વખત ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્રયાસ થયો હતો. પ્રમુખ જો બાઇડેને અધવચ્ચે થી ઉમેદવારી પાછી ખેંચી હતી અને કમલા હેરીસ મેદાનમાં ઉતર્યા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન બંને ઉમેદવારોએ એકબીજા પર આકરા વ્યક્તિગત પ્રહારો કર્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને ફરી એક વખત મહાન બનાવવાનો કોલ આપ્યો હતો. તેમણે અમેરિકાના બીમારુ અર્થતંત્ર માટે જો બાઈડેનના શાસનને જવાબદાર ગણાવી ક્રાંતિકારી આર્થિક સુધારણાઓ કરવાના વચનો આપ્યા હતા. સરહદો સીલ કરી અને ગેરકાયદે ઇમિગ્રન્ટસને ઘર ભેગા કરી દેવાનો તેમણે હુંકાર કર્યો હતો. સામા પક્ષે કમલા હેરીસે ગર્ભપાતના અધિકાર તેમજ લોકશાહી અને માનવ અધિકારોના રક્ષણના મુદ્દા ઉઠાવ્યા હતા. અમેરિકી પ્રસાર માધ્યમોએ આ ચૂંટણી જંગને અત્યંત રસાકસી ભર્યો ગણાવ્યો હતો. છેક છેલ્લા દિવસ સુધી બંને ઉમેદવારોએ તનેતોડ પ્રચાર કરી મતદારોને રિઝવવાની કોશિશ કરી હતી.ટેસ્લા અને X ના માલિક, દુનિયાના સૌથી શ્રીમંત એવા એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પ માટે ખુલ્લીને પ્રચાર કર્યો હતો. કમલા હેરીસ માટે ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા સહિતના વગદાર નેતાઓ મેદાનમાં ઊતર્યા હતા. જો કે મતદારોએ ઇકોનોમી અને ઇમિગ્રેશનને નજરમાં રાખી લડાયક અને આક્રમક અભિગમ ધરાવતા ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર પસંદગી ઉતારી હતી. સેનેટની 34 બેઠકો માટેની ચૂંટણીમાં પણ ડેમોક્રેટ્સને આંચકો લાગ્યો હતો અને સેનેટ ઉપર ફરીથી કબજો મેળવવામાં રિપબ્લિકન પાર્ટીને સફળતા મળી હતી.
આ સાત સ્વિંગ સ્ટેટ્સ એ કમલાની બાજી બગાડી
સ્વિંગ સ્ટેટ તરીકે ઓળખાતા અમેરિકાના સાત રાજ્યોના મતદારો દરેક ચૂંટણીમાં ચમત્કાર સર્જવા માટે પ્રખ્યાત છે. હકીકતમાં એ રાજ્યો જ ચૂંટણીના પરિણામો નક્કી કરે છે. 2020 ની ચૂંટણીમાં એ સાત રાજ્યમાંથી છ રાજ્યોમાં જો બાઈડેનનો વિજય થયો હતો. ગત ચૂંટણીમાં પરંપરાગત રીતે રિપબ્લિકન પાર્ટી સાથે રહેતો એરીઝોના એ પણ ડેમોક્રેટસ ઉપર પસંદગી ઉતારી હતી. જ્યોર્જિયા, વિસ્કોનસીન અને નેવાડામાં બાઈડેનને પાતળી સરસાઈ મળી હતી. એકમાત્ર નોર્થ કેરોલિના રાજ્યમાં ટ્રમ્પનો પાતળી સરસાઈથી વિજય થયો હતો.પણ આ વખતે ચિત્ર પલટી ગયું. આ બધા રાજ્યોમાં 90% કરતાં વધારે મહત્વની ગણતરી પૂર્ણ થઈ ત્યાં સુધીમાં કમલા હેરીસ એક પણ રાજ્યમાં વિજય મેળવવામાં સફળ નહોતા થયા. સૌથી વધારે 20 ઇલેકટોરલ કોલેજ વોટ ધરાવતા રાજ્ય પેન્સિલવેલીયામાં મળેલા વિજયને કારણે ટ્રમ્પ બહુમતી માટે જરૂરી 270 ના જાદુઈ આંકડા સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા.
ટ્રમ્પના નામે અનેક વિક્રમ નોંધાયા
અમેરિકાના ઇતિહાસમાં ચાર વર્ષ સુધી શાસન સંભાળ્યા બાદ પરાજય થયા પછી ફરી વખત ચૂંટાવાની ઘટના 132 વર્ષ બાદ બની છે. 1885 માં ગ્રોવર કેલવે લેન્ડ ચૂંટણી જીતી પ્રમુખ બન્યા હતા. 1889 ની ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો પણ 1993 ની ચૂંટણીમાં ફરી એક વખત વિજય મેળવી તેમણે સત્તાનું શું કામ સંભાળ્યું હતું. એ પછી ટ્રમ્પે આજે એ ઇતિહાસનું પુનરાવર્તન કર્યું છે. તમામ સાત સ્વિંગ સ્ટેટ ઉપર વિજય મેળવનાર પણ ટ્રમ્પ પ્રથમ પ્રમુખ છે. અમેરિકાના ઇતિહાસમાં કોઈ ગુના માટે દોષિત ઠેરવવામાં આવ્યા હોય તેવા પણ ટ્રમ્પ એકમાત્ર પ્રમુખ છે.