અમેરિકામાં ભારતીય મૂળના ત્રણ છાત્રોના અકસ્માતમાં કરૂણ મોત
બધાની ઉમર માત્ર 18 વર્ષની હતી
કાર ફંગોળાઈને વૃક્ષો સાથે અથડાઈ
અમેરિકાના જ્યોર્જીયા રાજ્યના આલ્ફારેટ શહેરમાં થયેલા ગોઝારા અકસ્માતમાં ભારતીય મૂળના ત્રણ વિદ્યાર્થીઓના કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા હતા જ્યારે અન્ય બે ઘાયલ થયા હતા. અકસ્માતનો ભોગ બનેલા આ વિદ્યાર્થીઓની ઉંમર માત્ર 18 વર્ષની હતી.
પોલીસના જણાવ્યા મુજબ આ અકસ્માતમાં ભારતીય મૂળના આર્યન જોશી અને શ્રેયા આવાસરેલાના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. ગંભીર ઇજા પામેલા અનવી શર્મા, ઋત્વિક સામેપલ્લી અને મોહમ્મદ લીયાકતને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન અન્વીનું મૃત્યુ થયું હતું.
આ વિદ્યાર્થીઓ આલ્ફારેટા હાઇસ્કુલ તેમજ યુનિવર્સિટી ઓફ જ્યોર્જિયા માં અભ્યાસ કરતા હતા. મૃતકો પૈકીની શ્રીયા યુજીએ શિકારી ડાન્સ ક્લબની સભ્ય હતી જ્યારે અનવી એક ખૂબ સારી ગાયિકા હતી અને ભારતીયોના બનેલા કલાકાર ગ્રુપ સહિત અનેક મ્યુઝિકલ ગ્રુપ સાથે સંકળાયેલી હતી.
પોલીસે આ અકસ્માત માટે ઓવર સ્પીડને જવાબદાર ગણાવી હતી. કાર એટલી સ્પીડમાં હતી કે ચાલકે કાબૂ ગુમાવ્યા બાદ રસ્તા ઉપર થી ફંગોળાઇ અને વૃક્ષો સાથે અથડાઈ પડી હતી. નોંધનીય છે કે આ અગાઉ ગત મહિને એરીઝોનાના પ્રેઝન્ટ લેક પાસે પણ કાર અકસ્માતમાં તેલંગણા ના નિમેષ મુકકા અને ગૌતમ કુમાર પારસી નામના બે ભારતીય વિદ્યાર્થીઓના મોત નીપજ્યા હતા.
