ઈન્સ્ટામાં ફોટા અપલોડ કરતા હોય તો ચેતજો ! યુવતીનો ફોટો ઈન્સ્ટામાંથી ઉઠાવી ઓનલાઈન સેક્સયુઅલ ઓફર
સોશિયલ મીડિયાનો અણધાર્યો કે વણસમજ્યો ઉપયોગ કેવો મુશ્કેલીમાં મુકી દે છે તેવો લાલબત્તી સમાન વધુ એક કિસ્સો રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાયો છે. રાજકોટની પરિણીતાના ઈન્સ્ટાગ્રામમાંથી ફોટો ઉઠાવી સાયબર ભેજાબાજ દ્વારા ફોટો વાયરલ કરીને સેક્સયુઅલ ઓફર કરાતી હોવાની ફરિયાદ પરિણીતા દ્વારા નોંધાવવામાં આવી હતી.
રાજકોટના કાલાવડ રોડ વિસ્તારમાં રહેતી 24 વર્ષીય પરિણીતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પતિ સાથેના તેમજ પોતે એકલી હોય તેવા ફોટા અને વીડિયો અપલોડ કર્યા હતા. એકાઉન્ટ ઓપન હતું. આનો ગેરલાભ સોશિયલ મીડિયા માફિયાએ ઉઠાવ્યો હતો. દેખાવડી, કસાયેલી, સ્વરૂપવાન આ યુવતીના ફોટા તેના એકાઉન્ટમાંથી ઉઠાવી લીધા હતા. ત્યારબાદ સાચો ખેલ શરૂ થયો હતો. યુવતીના ફોટા અન્યોને મોકલીને જાણે યુવતી કોલગર્લ હોય તે રીતે ઓફર આપવામાં આવતી હતી.
જોગાનુજોગ આ ફોટો યુવતીના પતિના એક મિત્રના સોશિયલ મીડિયા પર આવ્યો હતો અને સાથે પ્રાઈઝ ઓફર પણ મુકાયેલી હતી. તસવીર અને નીચે મુકાયેલી ઓફર પોસ્ટ વાંચીને યુવાન અચંબિત બની ગયો હતો. તુરંત જ તેણે પરિણીતાનો સંપર્ક કર્યો હતો અને તેમનો ફોટો ગંદી ઓફર કોમેન્ટ સાથે સોશિયલ મીડિયામાં ફરતો હોવાની જાણ કરી હતી. કોમેન્ટ અને ફોટો પણ પરિણીતાને મોકલ્યા હતા જે જોઈને પરિણીતા અવાચક બની ગઈ હતી. તુરંત જ આ બાબતની તેના પતિને જાણ કરી હતી.
દંપતિએ સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કર્યા હતા જેમાં ફોટા એક લિન્ક ઉપરથી કોપી થયાનું જાણવા મળ્યું હતું. સારા પરિવારની પરિણીતાને આ રીતે સેક્સયુઅલ ઓફર માટે ચીતરી દેવાની કે બદનામ કરવાની હરકત કરનાર સોશિયલ મીડિયા યુઝર સામે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
તપાસનીશ સૂત્રોમાંથી એવું જાણવા મળી રહ્યું છે કે ફોટો મોકલીને અંદર જે રકમની ઓફર કરાઈ હોય તે રકમ ઓનલાઈન પે કરવામાં આવે એટલે તુર્ત જ વીડિયો કોલ થતો હોય છે અને વીડિયો કોલમાં જે તે યુવતી કે પરિણીતાનો મોર્ફ કરેલો ફોટો લગાવી દઈને અન્યનો નેકેડ વીડિયો બતાવવામાં આવે છે. જો આટલી મધલાળમાં કોઈ ફસાય તો આગળ વધુ ઓફર મોકલીને નાણાં ખંખેરવામાં આવે છે.