મધ્યપૂર્વમાં મહાયુધ્ધના એંધાણ
ઇઝરાયેલ પર સીધો હુમલો કરવાનું ઈરાનનું એલાન
અમેરિકા ચીન અને રશિયા પણ ઝંપલાવે તેવી ભિતી
તહેરાનમાં હમાસના વડા ઈસ્માઈલ હનીયેહની હત્યા પછી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે ઈરાનના સર્વોચ્ચ વડા આયાતોલ્લાહ અલી ખામેનીએ ઇઝરાયેલ ઉપર સીધું જ આક્રમણ કરવાનું એલાન કરતા મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ ફાટી નીકળવાના અમંગલ એંધાણ વર્તાઈ રહ્યા છે. બીજી તરફ ઈરાન આક્રમણ કરે તો અમેરિકા ઇઝરાયેલ ને મદદ કરશે એવી ઘોષણા અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિને કરી હતી. આ સંજોગોમાં યુદ્ધ વકરે તો ચીન અને રશિયા પણ તેમાં ઝંપલાવશે તેવી ભીતિ વ્યક્ત થઇ રહી છે.
ખામેનીએ હનીયેહની હત્યા માટે ઇઝરાયેલને જવાબદાર ગણાવીને કહ્યું હતું કે આપણા મહેમાનનું આપણી ભૂમિ ઉપર લોહી રહેવાયું છે અને તેનો બદલો લેવો તે આપણી ફરજ છે. બાદમાં ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલની બેઠકમાં તેમણે ઇઝરાયેલ ઉપર સીધું જ આક્રમણ કરવાનો આદેશ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઈરાને અત્યાર સુધી ઇઝરાયેલ સાથે સીધો જ સંઘર્ષ કરવાનું ટાળ્યું છે. તેને બદલે સીરિયા, યમન અને બેલેબેનોનમાં ઈરાન સમર્થિત લડાકુ સંગઠનો દ્વારા પરોક્ષ રીતે લડવાની રણનીતિ અપનાવી હતી. એપ્રિલ મહિનામાં ઇઝરાયેલે સીરિયામાં એર સ્ટ્રાઈક કરી રિવોલ્યુશનરી ગાર્ડના અનેક કમાન્ડોને મારી નાખ્યા તે પછી પ્રથમ વખત ઈરાને ઇઝરાયેલ ઉપર ડ્રોન એટેક કર્યા હતા અને તે સમયે તે પછીના હુમલા વધુ ઘાતક અને ખતરનાક હશે તેવી ઈઝરાયેલ ને ચીમકી આપી હતી.
ઈરાન પાસે યુદ્ધ સિવાય કોઈ વિકલ્પ નથી
ઇરાના પ્રમુખ તેમ જ યુનાઇટેડ નેશનના પ્રતિનિધિએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ઈરાનને પોતાનું રક્ષણ કરવાનો પૂરતો અધિકાર છે. ઈરાનના ઇન્ટરનેશનલ ક્રાઇસિસ ગ્રુપના ડાયરેક્ટ અલી વાએઝે સ્થિતિ અત્યંત સ્ફોટક બની હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ઇઝરાયેલના હુમલા રોકવામાં ઈરાન અત્યાર સુધી નિષ્ફળ રહ્યું છે. ઈરાનની સંપ્રભુતા ઉપર ખતરો ઊભો થયો છે. જો ઈરાને મધ્ય પૂર્વમાં પોતાની વિશ્વસનીયતા અને એક મજબૂત શક્તિ તરીકેનું વજૂદ જાળવી રાખવું હોય તો હવે ઇઝરાયેલ સાથે સીધા યુદ્ધ સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી
અનેક મોરચે સંયુક્ત આક્રમણની સંભાવના
સૂત્રોના જણાવ્યા મુજબ ખામેનીએ રિવોલ્યુશન ગાર્ડસને આક્રમણ કરવા અને જો યુએસ કે ઇઝરાયેલ એર સ્ટ્રાઈક કરે તો રક્ષણ કરવા માટેના ફુલપ્રુફ પ્લાન તૈયાર કરવા જણાવ્યું હતું. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઇઝરાયેલને અનેક મોરચે ઘેરવાની રણનીતિ ઈરાન અપનાવી શકે છે. હમાસ ઉપરાંત લેબેનોનમાંથી
હેઝબુલ્લાહ , યમનમાંથી હુતી અને ઈરાકમાંથી ઈરાન સમર્થિત લડાકો જૂથો એક સાથે ઇઝરાયેલ ઉપર ત્રાટકી શકે છે. ઇઝરાયેલના તેલ અવિવ અને હાઈફાના લશ્કરી થાણા ઉપર ડ્રોન અને મિસાઈલ એટેક કરી ઇઝરાયેલને ચારે બાજુથી ભીડવાનો વ્યૂહ ઈરાન અપનાવશે તેવી ધારણા છે.