દોઢ મહિનાનો માસૂમ રડવાનું બંધ નહોંતો કરતો, માએ દૂધની બોટલમાં દારુ ભરીને પીવડાવી દીધો!
-મા કાર ડ્રાઈવ કરી રહી હતી અને બાળક સતત રડી રહ્યું હતું.
-પોલીસે માની ધરપકડ કરી લીધી અને બાદમાં બોન્ડ પર મુક્ત કરી.
મા તો મા હોય છે… તે પોતાના બાળક માટે વાઘ સાથે પણ બાથ ભીડી લે છે. પરંતુ, અમેરિકામાં એક માએ એવી હરકત કરી કે, તે જાણ્યા પછી લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. હકીકતમાં, અમેરિકાના કેલિફોર્નિયામાં 37 વર્ષની એક મહિલાએ પોતાના દોઢ મહિનાના બાળકને ચૂપ કરાવવા માટે તેની દૂધની બોટલમાં દારુ ભરીને પીવડાવી દીધો. હવે, આ મામલો સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે, જેને લઈને લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક યૂઝર્સ કહી રહ્યા છે કે, માને જેલ થવી જોઈએ, તો કેટલાક યૂઝરે પૂછ્યું કે, શું આ જ કળયુગ છે?
પોલીસે કરી લીધી છે માની ધરપકડ
સેન બર્નાર્ડિનો કાઉન્ટી શેરિફ મુજબ, આરોપી માની ધરપકડ કરી લેવામાં આવી છે. તેણે પોતાના 7 સપ્તાહના બાળકને રડતો રોકવા માટે તેની બોટલમાં દારૂ ભરી દીધો. આ ઘટના અમેરિકામાં લોસ એન્જલસની પાસે રિયાલ્ટોમાં ગત શનિવારે લગભગ 12.44 કલાકે બની. મહિલાની ઓળખ 37 વર્ષની ઓનેસ્ટી ડે લા ટોરે તરીકે થઈ છે.
બાળક રડી રહ્યું હતું તો માએ પીવડાવી દીધો દારુ
રિપોર્ટમાં જણાવાઈ રહ્યું છે કે, મહિલા કાર ડ્રાઈવ કરીને ક્યાંક જઈ રહી હતી અને આ દરમિયાન બાળક સતત રડી રહ્યું હતું. તે પછી તેણે બાળકને દારુ પીવડાવ્યો, જેનાથી માસૂમની હાલત બગડી ગઈ. તે પછી તેને હોસ્પિટલમાં એડમિટ કરાયો. આરોપી માને 60,000 ડોલરના જામીન પર વેસ્ટ વેલી ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. એક ન્યૂઝ પેપરના ટ્વીટર હેન્ડલ પર આ સમાચાર પોસ્ટ કરાયા હતા. તેના પર યૂઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક શખસે લખ્યું કે, વિશ્વાસ નથી આવતો કે મા આવું કરી શકે? અન્ય એક યૂઝરે લખ્યું કે, પોલીસે તેની ધરપકડ કરીને સારું કર્યું. આ રીતે અન્ય યૂઝર્સ પણ આવી હરકત કરનારી માની ટીકા કરી રહ્યા છે.