પાકના બલુચિસ્તાનમાં આતંકી હુમલામાં ચીનના 4 નાગરિકો અને 9 પાક. સૈનિકોના મોત
ચીન (China) અને પાકિસ્તાનમાં (Pakistan) નારાજગી ફરી વધે તેવી શક્યતા છે. શનિવારે પાકિસ્તાનના બલૂચિસ્તાને ચીની એન્જિનિયરોના કાફલા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં પાકિસ્તાની સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. જે જગ્યાએ હુમલો થયો હતો ત્યાં અનેક વિસ્ફોટોના અવાજો પણ સંભળાયા હતા. જેના કારણે આસપાસના વિસ્તારના તમામ રસ્તાઓ સીલ કરી દેવામાં આવ્યા છે.
બલૂચ લિબરેશન આર્મીએ હુમલાની જવાબદારી લીધી
સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલામાં 4 ચીની નાગરિકો અને પાકિસ્તાની સેનાના 9 સુરક્ષાકર્મીઓ સહિત 13 લોકો માર્યા ગયા હતા. બલૂચ લિબરેશન આર્મીએ હુમલાની જવાબદારી લીધી છે. સરકારી અધિકારીઓએ પણ ગ્વાદરમાં ચીની લોકો પર હુમલાની પુષ્ટિ કરી છે. આ હુમલો ફકીર કોલોની પાસે થયો હતો.
ઘાયલ આતંકીઓ ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ રહ્યા
ચીનની કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરી રહેલા આ એન્જિનિયરોનો કાફલો ગ્વાદરમાં ફકીર બ્રિજ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેમના પર હુમલો થયો હતો. આતંકવાદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં કેટલાક આતંકવાદીઓ ઘાયલ થયા હતા. ઘાયલ આતંકીઓ ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ રહ્યા હતા.
પાકિસ્તાન સરકારે હુમલાની પુષ્ટિ કરી
પાકિસ્તાન સરકારે પણ ચીની એન્જિનિયરો પર હુમલાની પુષ્ટિ કરી છે. સત્તાવાર નિવેદન અનુસાર, ચીની કાફલા પર સવારે 9:30 વાગ્યે હુમલો કરવામાં આવ્યો હતો. જે દરમિયાન લગભગ 2 કલાક સુધી ભારે ગોળીબાર થયો હતો. બલૂચિસ્તાન પોસ્ટે ટ્વિટર પર એક વિડિયો પણ જાહેર કર્યો છે જેમાં ગ્વાદર પાસે અનેક વિસ્ફોટ જોઈ શકાય છે.