50 લાખ ડોલર ખર્ચો તો યુએસ નાગરિકત્વ માટેનો માર્ગ મોકળો
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 50 લાખ ડોલરની કિંમતના ‘ ગોલ્ડ કાર્ડ ‘ ના વેચાણની યોજના જાહેર કરી છે. આ કાર્ડ ખરીદનાર કોઈ પણ વિદેશી નાગરિકને
ગ્રીન કાર્ડ હેઠળ મળતા તમામ અધિકારો પ્રાપ્ત થશે તેમ જ ટ્રમ્પે કરેલી જાહેરાત મુજબ એવા લોકો માટે
‘ નાગરિકત્વ મેળવવાનો રસ્તો ‘ ખુલ્લી જશે.
તેમણે 1 લાખ વિદેશી નાગરિકો આ કાર્ડ ખરીદશે તેવો અંદાજ રજૂ કર્યો હતો.એ રકમ અમેરિકાની રાષ્ટ્રીય દેવું ચૂકતે કરવા ઉપયોગમાં લેવાની તેમણે જાહેરાત કરી હતી.નોંધનીય છે કે અમેરિકાનું રાષ્ટ્રીય દેણું ,35100 અબજ ડોલર છે.ટ્રમ્પની ધારણા મુજબ 1 લાખ લોકો આ કાર્ડ ખરીદે તો અમેરિકાને 5000 અબજ ડોલરની આવક થશે.એ સાથે જ અમેરિકામાં ચોક્કસ રકમનું રોકાણ કરનાર વિદેશીઓને નાગરિકત્વ આપતી EB – 5 યોજનાને નકામી ગણાવી બંધ કરવાની પણ ટ્રમ્પે જાહેરાત કરી હતી.નવી યોજના અને તેની જોગવાઈઓ અંગે બે અઠવાડિયામાં વિસ્તૃત માહિતી આપવામાં આવશે.
ટ્રમ્પે કહ્યું કે વિશ્વના શ્રેષ્ઠ લોકો અમેરિકામાં વસવાટ કરશે.એ લોકો અમેરિકામાં રોકાણ કરશે અને લોકોને રોજગારી આપશે.બીજી તરફ એ નોંધવું પણ આવશ્યક છે કે આ કાર્ડ ખરીદનારને અમેરિકન નાગરિકત્વની ખાતરી નથી આપવામાં આવી.ટ્રમ્પે ‘ એ કાર્ડ નાગરિકત્વ મેળવવાના માર્ગ પર દોરી જશે ‘ એવા વાક્યનો ઉપયોગ કર્યો હતો.અમેરિકામાં ગ્રીન કાર્ડ ધારકને કાયમી વસવાટનો અધિકાર પ્રાપ્ત થાય છે.ટ્રમ્પની આ નવી યોજના હેઠળ પાંચ વર્ષ બાદ ગોલ્ડ કાર્ડ ધારક અન્ય માપદંડોમાં ખરા ઉતરે તો નાગરિકત્વ આપવામાં આવશે તેવું માનવામાં આવે છે.
શું ફેર છે ગોલ્ડ કાર્ડ અને EB -5 યોજના વચ્ચે?
EB- 5 યોજના
આ યોજના 1990 માં લાગુ કરવામાં આવી હતી.તે અંતર્ગત ટાર્ગેટેડ એમ્પ્લોયમેન્ટ વિસ્તારમાં ઓછામાં ઓછા 10 લોકોને કાયમી નોકરી આપી શકે તેવા ધંધામાં 8 લાખ ડોલરનું રોકાણ કરનાર વિદેશી નાગરિકને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે જેના થકી અમેરિકામાં કાયમી વસવાટ અને કામ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે.આવા લોકો પાંચ વર્ષ બાદ નાગરિકત્વ માટે અરજી કરવાને લાયક બને છે.ટ્રમ્પે 8 લાખ ડોલરની રકમને તુચ્છ ગણાવી એ યોજના રદ કરી દીધી છે.
ગોલ્ડ કાર્ડ યોજના
આ યોજના હેઠળ પણ કાર્ડ ખરીદનારને ગ્રીન કાર્ડ હોલ્ડર જેટલા જ અધિકારો મળશે પણ સાથે જ નાગરિકત્વ મેળવવાનો માર્ગ વધુ સરળ બનશે.EB – 5 યોજના હેઠળ વિદેશી નાગરિકે 8 લાખ ડોલર સરકારને ન્હોતા ચૂકવવાના પણ રોકાણ કરવાનું હતું જ્યારે
ગોલ્ડ કાર્ડ ખરીદનારે 50 લાખ ડોલર સીધા જ અમેરિકી સરકારને ચૂકવવાના રહેશે.ધંધાકીય રોકાણ માટે અલગ રકમ ખર્ચવી પડશે.એ યોજનાની સંપૂર્ણ વિગત બે અઠવાડિયામાં જાહેર કરાશે.