રશિયાએ યુક્રેન ઉપર મિસાઈલો ઝીંકી : ૧૧ નાં મોત
બંને દેશો વચ્ચેના યુધ્ધને ૧૦૦૦ દિવસ પુરા : ઉત્તર કોરિયાએ વધુ સૈનિકો રશિયા મોકલ્યા
રશિયાએ અચાનક યુક્રેન ઉપર પોતાના હુમલા વધુ તેજ બનાવી નાખ્યા છે અને આ નવા હુમલામાં ૧૧ લોકોના મોત થયા છે. રશિયાની સેનાએ ક્લસ્ટર હથિયારોથી લેસ રશિયન બેલિસ્ટિક મિસાઈલ વડે ઉત્તરીય યુક્રેનના સુમી શહેરમાં મોટો હુમલો કર્યો છે. જેમાં બે બાળકો સહિત 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. 84થી વધુ લોકો ઘાયલ થયા છે.
આ હુમલામાં બે શૈક્ષણિક સંસ્થાઓ સહિત કુલ 15 ઈમારતોને નુકસાન થયુ છે. યુક્રેનનું સુમી શહેર રશિયાથી માત્ર 40 કિમીના અંતરે આવેલું છે. ઉલ્લેખનીય છે કે, રશિયાએ છેલ્લા 24 કલાકમાં યુક્રેન પર 200થી વધુ મિસાઈલો વડે હુમલાઓ કર્યા છે. આ બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને આજે 1000 દિવસ પૂરા થયા છે.
બીજી તરફ રશિયાને સમર્થન આપતાં ઉત્તર કોરિયાએ 1 લાખ સૈનિકોને રશિયા મોકલ્યા છે. જેઓ યુક્રેન વિરૂદ્ધ લડાઈ લડશે. અગાઉ પણ 30 હજાર સૈનિકો રશિયામાં તૈનાત કર્યા હતા.