ચીનમાં મંદીના ટકોરા: વિદેશી રોકાણમાં જબરો ઘટાડો
બ્લૂમબર્ગના અહેવાલમાં આંકડાકીય માહિતી અપાઈ: દરેક ક્ષેત્રમાં સંકટ: ભારત માટે સોનેરી તક
વિશ્વભરમાં અર્થતંત્રો પર મંદીના ઓછાયા ફરી દેખાવા લાગ્યા છે. જાપાન, જર્મની અને બ્રિટન બાદ હવે ભયાનક મંદીનો ખતરો દુનિયાની બીજી સૌથી મોટી ઈકોનોમી પર વધી રહ્યો છે અને આ ખતરો ચીનમાં દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. ચીનની આર્થિક હાલત હવે અલગ-અલગ ક્ષેત્રોમાં બગડી રહી છે. તેની બેહાલીના આંકડા પણ જાહેર થયા છે જે ખરેખર ચોંકાવનારા રહ્યા છે.
એક ખાસ અહેવાલમાં એવી માહિતી અપાઈ છે કે, ચીનમાં સીધા વિદેશી રોકાણમાં મોટો ઘટાડો થઈ ગયો છે જે ત્રણ દશકામાં સૌથી નીચો રહ્યો છે. આવી સ્થિતિમાં ભારત માટે એક સોનેરી અવકાશ સર્જાયો છે અને ચીનનું આ રોકાણ ભારતમાં ડાઈવર્ટ થઈ જાય તેવા ઉજળા સંજોગો પણ બની શકે તેમ છે.
તાજેતરમાં જ જાપાનને પણ આર્થિક મોરચા પર મોટો ફટકો લાગ્યા બાદ દુનિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્ર તરીકેનું લેબલ ગુમાવવું પડ્યું હતું. જર્મનીની હાલત પણ ખરાબ છે. બ્રિટનની જીડીપી વધુને વધુ સંકોચાઈ રહી છે અને હવે ચીનમાં પણ મંદીના ઘેરા પડઘા પડી રહ્યા છે.
દુનિયાની બીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીન તમામ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. રિયલ એસ્ટેટથી લઈને દરેક ફિલ્ડમાં તેની બેહાલી વધી રહી છે. હવે સીધા વિદેશી રોકાણમાં જોરદાર ઘટાડો થયો છે ત્યારે ચીનમાં મંદી બારણે ટકોરા મારી રહી હોવાનું દેખાઈ રહ્યું છે. બ્લૂમબર્ગના અહેવાલમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, છેલ્લા 30 વર્ષમાં ચીનમાં વિદેશી મૂડી રોકાણમાં સૌથી મોટો ઘટાડો થયો છે અને શેર બજારોમાં પણ પછડાટ લાગી રહી છે.