વોશિંગ્ટનના આકાશમાં ગોઝારો વિમાની અકસ્માત: 67 લોકોના મોતની આશંકા
વોશિંગટનમાં એરપોર્ટ નજીક જ ગુરુવારે એક પેસેન્જર જેટ વિમાન અને યુએસ એરફોર્સનું બ્લેક હોક હેલિકોપ્ટર આકાશમાં ટકરાતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.વિમાનના 60 મુસાફરો અને ચાર ક્રુ સહિત 64 લોકો અને હેલિકોપ્ટરમાં ત્રણ સૈનિકો સવાર હતા. એ બધાના મૃત્યુ થયા હોવાની આશંકા સેવાઈ રહી છે.છેલ્લા સમાચાર મુજબ 20 મૃતદેહો હાથ લાગ્યા હતા. બનાવને પગલે રેગન નેશનલ એરપોર્ટ બંધ કરી દેવાયું હતું અને 19 વિમાનોને ડુલેસ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવ્યા હતા
પ્રાપ્ત વિગત મુજબ અમેરિકન એરલાઇન્સનું વિમાન
વીસિટા કન્સાસથી ઉપાડીને વોશિંગ્ટનના રેગન નેશનલ એરપોર્ટ નજીક પહોંચી ગયું હતું ત્યારે જ એરફોર્સના હેલિકોપ્ટર સાથે આ અકસ્માત થયો હતો. વિમાન અને હેલિકોપ્ટર બંને અગનગોળામાં ફેરવાઈ ગયા બાદ તેના ટુકડા પોટોમેક નદીમાં પડ્યા હતા.
બનાવની જાણ થતા વિવિધ એજન્સીઓની બચાવ ટુકડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જો કે અંધકારને કારણે બચાવ કાર્યગીરી મુશ્કેલ બની હતી. સંખ્યાબંધ હેલિકોપ્ટર અને બોટ દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ હતી.નદીમાં મોટા વિસ્તારમાં તૂટી પડેલા વિમાનના અવશેષો નજરે પડતાં હતા.મોડેથી મળતા અહેવાલ અનુસાર 20 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.એક પણ મુસાફર કે સૈનિક જીવિત હાલતમાં ન મળતા તે તમામના મૃત્યુ થયા હોવાનો ભય સેવાઈ રહ્યો છે. બચાવ કાર્ય હજુ પણ વધુ બે ત્રણ દિવસ ચાલુ રહેશે તેવું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.
આ અકસ્માત અંગે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુઃખની લાગણી વ્યક્તિ કરી હતી. બનાવની તપાસ એફબીઆઈ કરી રહી છે. ટ્રમ્પે જણાવ્યું કે આ અકસ્માત નિવારી શકાય તેવો હતો. રાત્રે આકાશ ચોખ્ખું હતું. વિમાન પોતાના નિર્ધારિત રૂટ ઉપર જ હતું. વિમાનની લાઇટો સ્પષ્ટપણે દેખાતી હતી.તેમ છતાં એર ટ્રાફિક કંટ્રોલે હેલિકોપ્ટરને તેનો રૂટ બદલવા કેમ સૂચના ના આપી તેવો સવાલ તેમણે કર્યો હતો.