અમેરિકાના નવનિયુક્ત વિદેશ મંત્રીની પ્રથમ બેઠક એસ. જયશંકર સાથે થઈ
ડોનાલ્ડ ટ્રમ્પની બીજી ટર્મમાં પણ ભારતનો દબદબો યથાવત રહ્યો છે. ટ્રમ્પે સત્તાની ધુરા સંભાળી તે પછી
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબીઓએ તેમની કારકિર્દીની પ્રથમ બેઠક ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે કરી હતી એટલું જ નહી અમેરિકાના નેશનલ સિક્યુરિટી એડવાઈઝર માઇક વોલ્ટઝ સાથે પણ વ્હાઇટ હાઉસ ખાતે એસ. જયશંકરની બેઠક થઈ હતી. ટ્રમ્પ શાસનના પ્રારંભે જ ચાર રાષ્ટ્રોના બનેલા સંગઠન કવાડની બેઠક પણ મળી હતી જેમાં દક્ષિણ ચીન સાગરમાં ચીનની વધતી જતી દાદાગીરી સામે કડક સંદેશો આપવામાં આવ્યો હતો.

ટ્રમ્પનો શપથ વિધિ સમારોહ પૂર્ણ થયા બાદ ગણતરીની કલાકોમાં જ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને ભારતના બનેલા કવાડ સંગઠનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું તે ચીન સામેની આ રાષ્ટ્રોની સંગઠિત રણનીતિ સૂચવે છે. અમેરિકાના નવનિયુક્તિદેશ મંત્રી માર્કો રુબીઓ દ્વારા એ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ઇન્ડો પેસિફિક રીજીયનમાં આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન, શાંતિ,સ્થિરતા , વિકાસ સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.
દક્ષિણ ચીન સાગરમાં અનેક વિસ્તારોમાં પોતાનો માલિકી દાવો સ્થાપિત કરવા માટે ચીનના અજમાવવામાં આવતી બળજબરીયુક્ત પ્રયાસો સામે એ બેઠકમાં કડક સંદેશો આપવામાં આવ્યો હતો અને કવાડના સભ્ય દેશો એ વિસ્તારની યથાવત સ્થિતિ જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ હોવાનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો.આ બેઠકમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબીઓ અને ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર ઉપરાંત ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ અને જાપાનના વિદેશ મંત્રી ટકેશી ઇવાયા ઉપસ્થિત રહ્યા હતા.
એ બેઠક પૂર્ણ થયા બાદ અમેરિકા અને ભારતના વિદેશ મંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક મળી હતી. એક કલાક સુધી ચાલેલી એ બેઠકમાં ભારત અને અમેરિકાના સંબંધોને વધુ ગાઢ બનાવવાની બંને પક્ષે ઈચ્છા વ્યક્ત કરી હતી. એ બેઠકમાં ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજી, ડિફેન્સ, એનર્જી તેમ જ મુક્ત અને સલામત ઇન્ડો પેસિફિક રિજીયન જેવા વિષયો પર પારસ્પરિક સહકાર વધુ ઘનિષ્ઠ બનાવવા અંગે ચર્ચા થઈ હતી. બેઠકના અંતે બંને વિદેશ મંત્રીઓએ પત્રકારો સમક્ષ રજૂ થઈ તસવીર પડાવી હતી. બાદમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને અમેરિકાના નેશનલ સિક્યુરિટી એડવાઈઝર માઈક વોલ્ટઝ વચ્ચે પણ વ્હાઇટ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી. માઇક વોલ્ટઝોની પણ તેમણે પદ સંભાળ્યા બાદ આ પ્રથમ દ્વિપક્ષીય બેઠક હતી. નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં પણ એસ. જયશંકર ને પ્રથમ હરોળમાં સ્થાન આપવામાં આવ્યું હતું અને ત્યાર બાદ દ્વિપક્ષીય મંત્રણાઓ માટે પણ ભારતને અગ્ર ક્રમે રાખવાનું અમેરિકાનું પગલું અમેરિકા વિદેશ નીતિમાં ભારતના વધેલા મહત્વનું પ્રમાણ આપે છે.