લંડનનું હિથ્રો એરપોર્ટ 24 કલાક માટે બંધ 1345 ફ્લાઈટ રદ કરાઇ: ભારે અંધાધુંધી
લંડનના હિથ્રો એરપોર્ટને વીજ પુરવઠો પૂરો પાડતા એક ઇલેક્ટ્રિકલ સબ સ્ટેશનમાં આગ લાગતા વીજ વિક્ષેપ સર્જાવાને કારણે એરપોર્ટ 24 કલાક માટે બંધ કરી દેવાની ફરજ પડી હતી. આ અસામાન્ય ઘટનાને કારણે 1345 રદ કરવામાં આવતા ભારે અંધાધુંધી સર્જાઈ હતી. નોંધનીય છે કે હિથ્રો એરપોર્ટની વિશ્વના સૌથી વધારે વ્યસ્ત એરપોર્ટ તરીકે ગણના થાય છે.
પ્રાપ્ત વિગત મુજબ ભારતીય સમય મુજબ 21 તારીખની સવારે 4.53 મિનિટે એરપોર્ટથી બે કિલોમીટર દૂર આવેલા નોર્થ હાઈડ ઇલેક્ટ્રિકલ સબ સ્ટેશનમાં આગ ફાટી નીકળતા હિથ્રો એરપોર્ટનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. એરપોર્ટ તેમજ યાત્રિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી તાત્કાલિક અસરથી એરપોર્ટની તમામ કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. સત્તાવાળાઓએ ભારતીય સમય મુજબ 22 માર્ચના સવારે 5.30 વાગ્યા સુધી એરપોર્ટ બંધ રાખવાની જાહેરાત કરી હતી. વિવિધ ફ્લાઈટ માટે ટિકિટો બુક કરાવનાર હજારો યાત્રાળુઓને એરપોર્ટ પર ન આવવા માટે સૂચના આપવામાં આવી હતી.
બંધની જાહેરાત સમયે 120 જેટલી ફ્લાઇટ્સ હવામાં હતી, જેને ગેટવિક ,પેરિસના ચાર્લ્સ દ ગોલ , શેનોન આયર્લેન્ડ અને કેનેડા તરફ વાળવામાં આવી હતી. કેટલીક ફ્લાઇટ્સ અમેરિકાથી ઉડાન ભર્યા બાદ પાછી ફરી ગઈ હતી. હિથ્રો એરપોર્ટ દિવસમાં આશરે 1,300 ફ્લાઇટ્સ હેન્ડલ કરે છે, અને આ વિક્ષેપને કારણે વૈશ્વિક સ્તરે હવાઈ પરિવહનની કામગીરી પર મોટી અસર પડી હતી.
એરપોર્ટની કામગીરી પૂર્વવત થતાં સમય લાગશે
આગના કારણે હેઝ, હાઉન્સલો અને આસપાસના વિસ્તારોમાં 16,300થી વધુ ઘરો અને વ્યવસાયિક સ્થળોમાં પણ વીજળી ગૂમ થઈ હતી. લંડન ફાયર બ્રિગેડે 10 ફાયર એન્જિન અને 70 જેટલા ફાયરફાઇટર્સને ઘટનાસ્થળે મોકલ્યા હતા. તંત્ર દ્વારા આ આગને લાંબા સમય સુધી ચાલનારી ઘટના ગણાવવામાં આવી છે, જેનાથી આગામી દિવસોમાં પણ વિક્ષેપની શક્યતા છે.એ ઉપરાંત આ અતિ વ્યસ્ત એરપોર્ટ પરથી રદ થયેલી ફ્લાઈટના રિશેડ્યુલ માં પણ સમય લાગી શકે છે.