ઇઝરાયેલ એમ્બેસી વિસ્ફોટ કેસમાં બે સંદિગ્ધ કેમેરામાં કેદ
ઘટના હુમલાની હોવાની ઈઝરાયલને આશંકા
ઇઝરાયલે નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી
નવી દિલ્હીમાં ચાણક્ય પૂરી ખાતેની ઇઝરાયેલ ની એમ્બેસી કચેરી નજીક મંગળવારે સાંજે થયેલા વિસ્ફોટ કેસની તપાસ દરમિયાન બે સંદિગ્ધ સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયા હતા. ઇઝરાયલ હમાસ યુદ્ધ સંદર્ભે વિશ્વભરમાં ઇઝરાયેલી નાગરિકો અને રાજદૂત કચેરીઓ ઉપર હુમલા થવાની આશંકાઓ વચ્ચે ભારતમાં બનેલી આ ઘટનાને ખૂબ ગંભીર માનવામાં આવે છે.
ઇઝરાયેલની એમ્બેસી નજીક મંગળવારે સાંજે 5.08 વાગ્યે મોટો વિસ્ફોટ થયો હતો. બનાવવાની જાણ થતા દિલ્હી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જોકે વિસ્ફોટના સ્થળેથી વિસ્ફોટકની કોઈ નિશાની ન મળતા વિસ્ફોટ માટે કેમિકલ બોમ નો ઉપયોગ થયો હોવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે. આ હુમલા ની જવાબદારી ‘ સર અલ્લાહ રેઝીસ્ટન્સ ‘ નામના સંગઠને લીધી હતી. વિસ્ફોટના સ્થળ નજીકથી ઇઝરાયેલના ધ્વજમાં લપેટેલ ઇંગ્લિશ ભાષામાં લખાયેલો એક પત્ર મળી આવ્યો હતો જેમાં ગાઝા ઉપરના ઇઝરાયેલના હુમલાની તથા બદલો લેવાની વાત લખવામાં આવી હતી.
આ ઘટના બાદ ઇઝરાયલે જારી કરેલી એડવાઇઝરીમાં ભારતમાં રહેતા ઇઝરાયેલી નાગરિકોને મોલ અને માર્કેટ જેવા ભીડભાડ વાળા સ્થળોએ ન જવા, પોતાની ઓળખ સ્થાપિત થાય તેવા ઈઝરાયેલી પ્રતિકોનો ઉપયોગ ન કરવા, પોતાની ટ્રીપ અંગે સોશિયલ મીડિયા પર જાણકારી ન આપવા, ફોટા શેર ન કરવા તેમજ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી હતી.
અત્રે નોંધનીય છે કે 2021 માં પણ દિલ્હી ખાતેની ઇઝરાયેલ ની એમ્બેસી કચેરીમાં વિસ્ફોટ થયો હતો જેમાં અનેક ગાડીઓને નુકસાન થયું હતું. 2012માં ઈઝરાયેલી રાજદૂતની પત્નીની ગાડી નીચે બોંબ મૂકવામાં આવ્યો હતો જેના વિસ્ફોટમાં રાજદૂતના પત્ની ઘાયલ થયા હતા.