ઇઝરાયેલ 2100 આતંકવાદીઓઅને એક હજાર કેદીને મુક્ત કરશે
યુદ્ધ વિરામ સંધિનો પ્રથમ તબક્કો 42 દિવસનો
7 ઓક્ટોબરના હુમલામાં સંડોવાયેલા
એક પણ આતંકી ને મુક્ત નહીં કરાય
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે થયેલી યુદ્ધ વિરામ સંધિનાં અમલીકરણના પ્રથમ 42 દિવસમાં જ મોટેભાગે તમામ બંધકોની મુક્તિ તેમજ ગાઝા અને પેલેસ્ટાઈનમાંથી ઇઝરાયેલ ના સુરક્ષા દળો પરત ખેંચવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. આ સમજૂતી અનુસાર દરેક 27 દોષિત થયેલા આતંકવાદીના બદલામાં 50 વર્ષથી ઉપરના એક બંધક તેમજ દરેક 31 કેદીના બદલામાં 50 વર્ષથી ઉપરના એક બંધકને મુક્ત કરવામાં આવશે. ઇઝરાયેલ દોષિત ઠરેલા કુલ 2000 આતંકવાદીઓને મુક્ત કરશે. તેમાં આજીવન કેદની સજા પામેલા 250 આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે. એ ઉપરાંત નવ ઘાયલ અથવા બીમાર બાંધકોના બદલામાં વધુ 150 દોષિત આતંકવાદીઓને છોડી દેવામાં આવશે.
આતંકવાદી પ્રવૃત્તિમાં ન સંડોવાયેલા હોય તેવા ગાઝાના 1000 કેદીઓને પણ અંતે મુક્તિ મળશે. જો કે 7 ઓક્ટોબરના આતંકવાદી હુમલામાં સંડોવાયેલા એક પણ આતંકવાદીને મુક્ત કરવામાં નહીં આવે. અત્યાર સુધીની પ્રાપ્ત વિગતો અનુસાર સમજૂતી પર હસ્તાક્ષર થઈ ગયા બાદ બે થી ત્રણ દિવસમાં જ તેની શરતોનો અમલ કરી દેવામાં આવશે. કતાર અને ઇજિપ્તના સુપરવિઝન હેઠળ દક્ષિણ ગાઝામાંથી શરણાર્થીઓ ઉત્તર ગાઝામાં પરત ફરશે અને સાથે જ નેતઝારીય કોરિડોરમાંથી ઇઝરાયેલના સુરક્ષા દળો વાપસી કરશે. ઇઝરાયેલના સુરક્ષા દળો સરહદ થી 700 મીટર દૂર ખસી જશે. ફીલાડેલ્ફી કોરિડોરમાંથી આગામી 50 દિવસમાં ઇઝરાયેલી સેના સંપૂર્ણપણે હટાવી લેવામાં આવશે.
રફાહ બોર્ડર ક્રોસિંગ ખુલ્લુ મુકાશે
ઘાયલો ઇજિપ્ત જઇ શકશે
એક અઠવાડિયા પછી ઇઝરાયેલ દ્વારા અત્યારે બંધ કરી દેવાયેલું રફાહ બોર્ડર ક્રોસિંગ ખુલ્લુ મૂકી દેવામાં આવશે અને મધ્યસ્થીઓની દેખરેખ હેઠળ માનવતાવાદી સહાય પહોંચાડવાનું શરૂ કરવામાં આવશે. બંધક બનેલા તમામ નાગરિકો અને સૈનિકો મુક્ત થયા બાદ ગાઝાના નાગરિકો માટે પણ એ માર્ગ ખુલ્લો કરી દેવામાં આવશે.
સમજૂતીની શરત મુજબ રફાહ ક્રોસિંગ ઉપર ઇજિપ્ત અને ઇઝરાયેલના સુરક્ષા દળો સંયુક્ત રીતે સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ કરશે. એ માર્ગેથી ઘાયલ અને બીમાર પેલેસ્ટેનિયન નાગરિકોને બહાર નીકળવાની છૂટ આપવામાં આવશે. ઇઝરાયેલ અને ઇજિપ્ત તરફથી ચકાસણી કર્યા બાદ દરરોજ 50 ઘાયલોને ઇજિપ્ત ની હોસ્પિટલ સુધી પહોંચવાની મંજૂરી અપાશે. સમજૂતીના પ્રથમ અઠવાડિયામાં બિન હથિયારધારી શરણાર્થીઓને સમુદ્ર કિનારાની અલ રાશિદ સ્ટ્રીટમાંથી અને બે અઠવાડિયા બાદ સેન્ટ્રલ સલાહ અલદીન રોડ પરથી શરણાર્થીઓને ઉત્તરગાઝામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.