અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીયોને પરત લેવા ભારત તૈયાર: એસ.જયશંકર
1.80 લાખ ભારતીયો પર દેશનિકાલનો ખતરો
અમેરિકામાં કાયદેસરના દસ્તાવેજો વગર જ વસતા ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને કાયદેસર ની પ્રક્રિયા બાદ ભારતમાં પરત લાવવા સરકાર તૈયાર હોવાનું વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું. નોંધનીય છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે વસાહતીઓને વીણી વીણીને દેશ નિકાલ કરવાનો સંકલ્પ રજૂ કર્યો હતો અને તે અંગેના બિલ ઉપર તેમણે સહી પણ કરી દીધી છે.
દરમિયાન, પત્રકારો સાથેની વાતચીતમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે આ વિવાદાસ્પદ મુદ્દે ભારત સરકારનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું,” એક સરકાર તરીકે, અમે દેખીતી રીતે જ કાનૂની ગતિશીલતાને ખૂબ જ સમર્થન આપીએ છીએ કારણ કે અમે વૈશ્વિક કાર્યસ્થળમાં વિશ્વાસ કરીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે ભારતીય પ્રતિભા અને ભારતીય કૌશલ્યને વૈશ્વિક સ્તરે મહત્તમ તક મળે. તે સાથે જ, અમે ગેરકાયદેસર ગતિશીલતા અને ગેરકાયદેસર સ્થળાંતરનો પણ સખત વિરોધ કરીએ છીએ”.
તેમણે કહ્યું કે ભારતનું વલણ આ બાબતમાં સ્પષ્ટ છે. ભારતે અમેરિકા તથા અન્ય તમામ દેશોને જણાવેલું જ છે કે તેમને ત્યાં વસતા ગેરકાયદે ઇમિગ્રન્ટસ જો કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેમના વતન દેશમાં એટલે કે ભારતમાં પરત ફરવા ઇચ્છતા હોય તો તેમનું સ્વાગત છે.
વિદેશ મંત્રી ઉમેર્યું કે ગેરકાયદે સ્થળાંતર અન્ય ગેરકાયદે
પ્રવૃત્તિઓને જન્મ આપે છે અને પરિણામે દેશની પ્રતિષ્ઠા ખરડાય છે. તેમણે અમેરિકા માંથી દેશ નિકાલ થવાની સંભાવના ધરાવતા લોકોની ચકાસણી થઈ રહી હોવાનું જણાવ્યું હતું. જો કે તેના આંકડા અંગે તેમણે કોઈ સ્પષ્ટતા કરી નહોતી. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ગેરકાયદે વસતા અથવા તો વિઝા સમાપ્તિ પછી પણ રોકાઈ ગયેલા ભારતીયોની સંખ્યા 1.80 લાખ હોવાનો આ અગાઉ અંદાજ જાહેર થયો હતો. વિદેશ મંત્રી એસ. જયશંકરે આપેલા નિવેદન બાદ અમેરિકામાંથી આવા ભારતીયોના દેશ નિકાલ માટે પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાનું ચિત્ર ઉપસ્યું છે. આ લોકોને ભારતમાં પરત સ્વીકારતાં પહેલા તેમની ભારતીય નાગરિકતા તેમ જ તેમના પર કોઈ ગુનાહિત પ્રવૃત્તિ બદલ કાર્યવાહી ચાલતી તો નથી ને? વગેરે જેવા મુદ્દાઓ ચકાસવામાં આવશે.