હેલેન વાવાઝોડા અમેરિકામાં વિનાશ વેર્યો : 49ના મોત
બચાવકાર્ય માટે 4 હજાર સૈનિકો તૈનાત,લોકોને હેલિકોપ્ટર દ્વારા બચાવાયા
અમેરિકામાં ત્રાટકેલા ચક્રવાત હેલેનના કારણે અત્યાર સુધીમાં 5 રાજ્યોમાં 49 લોકોના મોત થયા છે. ચક્રવાતની સૌથી વધુ અસર દક્ષિણ કેરોલિના અને જ્યોર્જિયામાં જોવા મળી હતી જ્યાં કેટેગરી 4ના વાવાઝોડાને કારણે 34 લોકોના મોત થયા હતા. પાંચેય રાજ્યોમાં તોફાનના કારણે અનેક લોકો ફસાયેલા છે, તેમને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નોર્થ કેરોલિનામાં કેટલીક જગ્યાએ ભૂસ્ખલન પણ થયું હતું. લોકોને બચાવવા માટે હેલિકોપ્ટર મોકલવામાં આવ્યા હતા.
આ તોફાનને કારણે 45 લાખ લોકોના ઘરોમાં વીજળી નથી. ફ્લોરિડામાં બચાવ કામગીરી માટે 4 હજાર નેશનલ ગાર્ડસમેન તૈનાત કરવામાં આવ્યા છે.ફાઇનાન્શિયલ કંપની મૂડીઝે કહ્યું કે ચક્રવાત હેલેનના કારણે અમેરિકાને 2 લાખ 51 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. બીબીસીના જણાવ્યા અનુસાર મેક્સિકોના અખાતમાંથી ફ્લોરિડાના દરિયાકાંઠે ત્રાટકેલું આ અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી તોફાન છે.
આ તોફાનથી 1 કરોડ 20 લાખ લોકો પ્રભાવિત થયા છે. જેના કારણે 1 હજાર ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. સ્ટેટ ઈમરજન્સી સર્વિસે કહ્યું છે કે આગામી બે-ત્રણ દિવસમાં 5 કરોડ લોકો પ્રભાવિત થઈ શકે છે.